GST બાદ મોદી સરકારનો મેગા પ્લાન, દેશભરમાં લાગુ થશે વન રોડ, વન ટેક્સ

2017માં દેશમાં એક જ ટેક્સ સિસ્ટમ GST લાગુ કરવામાં આવી હતી. GST અંતર્ગત તમામ વસ્તુઓ અને સેવાઓનો ચાર ટેક્સ સ્લેબ (5 ટકા, 12 ટકા, 18 ટકા અને 28 ટકા)માં વિભાજિત કરવામાં આવી હતી. ત્યારબાદ હવે મોદી સરકાર ” વન નેશન, વન રોડ ટેક્સ ” લાગુ કરવાની તૈયારીમાં છે. આ અંગે રાજ્ય સરકારો સાથે વાતચીત કરવામાં આવી રહી છે.

લાઈવ મિન્ટના રિપોર્ટ મુજબ કેન્દ્ર સરકાર સાથે થયેલી મીટીંગમાં કેટલાક રાજ્યોએ પ્રાઈવેટ ગાડીઓ માટે યુનિફોર્મ રોડ ટેક્સને લાગુ કરવાના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે. જોકે, કેટલાક રાજ્યોએ રોડ ટેક્સ પોલિસી અંગે વિચારણા કરવાનું પણ જણાવ્યું હતું. આ રાજ્યોનું કહેવું છે કે વન નેશન, વન રોડ ટેક્સના કારણે રાજ્યોના રેવેન્યુ કલેક્શન પર અસર કરશે.

હકીકતમાં રોડ ટેક્સ કોઈપણ નવી ગાડીના રજિસ્ટ્રેશન વખતે આપવામાં આવે છે. GST સાથે લાગતા આ ટેક્સના કારણે ગાડીઓની કિંમત વધી જાય છે. આવી સ્થિતિમાં ગ્રાહકો એવા રાજ્યમાંથી ગાડીઓ ખરીદે છે જ્યાં ઓછો ટેક્સ હોય છે. આના લીધે વધારે ટેક્સવાળા રાજ્યોને રેવેન્યુમાં નુકશાન સહન કરવો પડે છે. 2018માં રોડ ડિપાર્ટમેન્ટે પણ સમાન ટેક્સ અંગે ભલામણ કરી હતી.

રોડ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી ભલામણ મુજબ 10 લાખછી ઓછી કિંમતની ગાડીઓ પર 8 ટકા, 10-20 લાખની કિંમતની ગાડીઓ પર 10 ટકા અને 20 લાખથી વધુની કિંમતની ગાડીઓ પર 12 ટકા ટેક્સ લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે.