વડોદરા: ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસુલ મંત્રી કૌશિક પટેલને કહ્યા જુઠ્ઠા

વડોદારા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારના રાજીનામાની શાહી હજી સુકાઈ નથી ત્યાં તો વડોદરા ભાજપના અન્ય એક ધારાસભ્યે ગુજરાતની ભાજપ સરકારના મંત્રી સામે બાંયો ચઢાવી છે. હવે વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસુલ મંત્રી કૌશિક પટેલ સામે આક્રોશ વ્યક્ત કરીને તેમનું કામ નહીં થાય, તો રાજીનામાની ચીમકી આપી છે.

ટૂંક સમયમાં જ ગુજરાત ભાજપની નવા માળખાની જાહેરાત થવાની છે. તેવામાં વડોદરા ભાજપના ધારાસભ્યો દ્વારા એક બાદ એક ભડાકાઓ કરવામાં આવી રહ્યા છે. પહેલાં સાવલીના ધારાસભ્ય ઈનામદારે રાજીનામું ધરી દઈને રાજકીય ભૂકંપ સર્જયો. પણ જીતુ વાઘાણીની મિટીંગમાં સેટીંગ કરી તેઓએ રાજીનામું પરત ખેંચ્યું હતું. જેને જોઈને વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પણ રાજીનામાની ચીમકી ઉચ્ચારી છે. વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાના વિસ્તારના કામ ન થતાં હોવાથી રાજીનામાની ચીમકી આપી છે.

મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, મહાદેવ તળાવ વિસ્તારમાં મેં બજરંગબલીની સ્ટીલની મૂર્તિ મૂકવાનો નિર્ધાર કર્યો છે. મેં કોન્ટ્રાક્ટરને પણ પૈસા ચૂકવ્યા છે.મૂર્તિના ૮૦ લાખ રૃપિયા પણ ચૂકવી દીધા છે. મારૃં ૪૦ ટકા કામ થઈ ગયું છે. વડોદરા કોર્પોરેશન, કલેક્ટરે મંજુરી આપી છે. ગાંધીનગર અભિપ્રાય માટે ફાઈલ મોકલી છે. મંત્રી મને કે છે મંજુરી કરી આપીશ, મેં છેલ્લે મંત્રીને કહ્યું કે મારી પોતાની ફાઈલ નથી કે સંપત્તિની ફાઈલ નથી. હું છેલ્લીવાર તમને કેવા આવ્યો છું. તમે મંજૂર કરો કે ન કરો તો હું ધર્મનું કામ લઈને બેઠો છું શ્વાસ ચાલશે ત્યાં સુધી ધર્મનું કામ કરીશ તમે મંજુર નહીં કરો તો પણ મૂર્તિ મૂકીશ. આ મધુશ્રીવાસ્તવ છે.

આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવે ગુજરાતના જ મહેસૂલ મંત્રી કૌશિક પટેલને જુઠ્ઠા કહી દીધા હતા. મધુભાઈએ જણાવ્યું કે, કૌશિકભાઈએ હજુ મારૃં કામ કર્યું નથી, તેઓ જુઠ્ઠા છે. ઉલ્લેખનીય છે કે, એક બાદ એક વડોદરાના બે ધારાસભ્યો દ્વારા રાજીનામાની ચીમકી ઉચ્ચારી પોતાના કામ કઢાવવા માટેના જે પ્રયાસો થઈ રહ્યા છે તેનાથી ભાજપની છબીને ઘણું નુકસાન પહોંચ્યું છે. ટૂંક સમયમાં ગુજરાત ભાજપ પ્રદેશનું માળખું બદલવાનું છે. જીતુ વાઘાણી ફરીથી પ્રદેશ પ્રમુખ બને તેવી સંભાવના છે. તેવામાં ભાજપના આ ધારાસભ્યોનું રાજીનામું આવા જ સમયે આવવું ઘણા બધા સવાલો ઉભા કરી રહ્યું છે. રાજીનામાની રાજનીતિ પાછળ અસલી ગેમ તો કાંઈક બીજી જ રમાતી હોવાની ચર્ચા છે.

મધુ શ્રીવાસ્તવના નિવેદન પર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પ્રતિક્રિયા આપી હતી. નીતિન પટેલે મહેસૂલ મંત્રી કૌશિક પટેલનો બચાવ કર્યો હતો. નીતિન પટેલે કહ્યું કે, તમામની નાની મોટી અપેક્ષાઓ હોય છે. પણ જેટલું વ્યવહારીક હોય તેટલું જ થાય. નિયમો પ્રમાણે કામગીરી થશે. મધુભાઈ સિનીયર ધારાસભ્ય છે. અમે સાથે રહીને કામ કરીએ છીએ. આ ઘટનાક્રમના કારણે ભાજપ માટે એક સાંધો ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ ઊભી થઈ છે. અને બીજા બે-ત્રણ ધારાસભ્યોએ પણ વિવિધ મુદ્દે નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં પ્રજાના પ્રતિનિધિઓના કામો થતા જ નથી તેમણે કહ્યું કે ભાજપમાં આંતરિક ડખ્ખાના પગલે મુખ્યમંત્રી બદલવાની પ્રયાસો થઈ રહ્યા છે.