રાષ્ટ્રીય પસંદગીકારના પદ માટે આ ત્રણે નોંધાવી ઉમેદવારી

ભારતીય ટીમના માજી લેગ સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણન, માજી ઓફ સ્પિનર રાજેશ ચૌહાણ અને ડાબોડી બેટ્સમેન અમય ખુરસીયાએ રાષ્ટ્રીય પસંદગી સમિતિ માટે પોતાની ઉમેદવારી નોંધાવી છે. આ ત્રણેય માજી ઇન્ટરનેશનલ ખેલાડીઓએ એવું સ્વીકાર્યું હતું કે તેમણે પસંદગી સમિતિના પદ માટે ઉમેદવારી કરી છે.

ઉમેદવારી કરવાની અંતિમ તિથી શુક્રવાર 24 જાન્યુઆરીની છે. બીસીસીઆઇ દ્વારા સાઉથ ઝોનના એમએસકે પ્રસાદ તેમજ સેન્ટ્રલ ઝોનના ગગન ખોડાના ખાલી પડનારા સ્થાન ભરવામાં આવશે. જ્યારે સરનદીપ સિંહ, જતિન પરાંજપે અને દેવાંગ ગાંધી વધુ એક સિઝન સુધી પોતાના પદે જળવાયેલા રહેશે. ભારત માટે ઉમદા પ્રદર્શન કરનાર શિવરામકૃષ્ણન 20 વર્ષથી કોમેન્ટરી કરી રહ્યો છે અને તે આઇસીસીની ક્રિકેટ કમિટીનો સભ્ય હોવાની સાથે જ નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં પણ સ્પિન બોલિંગ કોચ છે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે માજી જૂનિયર પસંદગીકાર વેંકટેસ પ્રસાદ અને માજી ભારતીય બેટિંગ કોચ સંજય બાંગર પણ ઉમેદવારી કરી શકે છે. જો એમ થશે તો પસંદગી ચેરમેન પદ માટેની દાવેદારી વધુ રસપ્રદ બની રહેશે. જો કે આ બંનેએ હાલ એવો નિર્યણ કર્યો હોવાનું નકાર્યું હતું.