કેતન ઈનામદારની સૌરભ પટેલ સાથે ઠરી ગઈ હતી? મનામણા બાદ રાજીનામું પાછું ખેંચ્યું

ધારાસભ્ય ઈનામદારને તેમની સમસ્યાઓ અને માંગણીઓ અંગે ખાત્રી મળતા તેમણે રાજીનામું પાછું ખેંચી લીધુ છે, પરંતુ આ પ્રકરણે ભાજપની આબરૂનું લિલામ કર્યુ હોવાના પ્રત્યાઘાતો પડી રહ્યાં છે.

ભાજપના ધારાસભ્ય ઈનામદારના રાજીનામા પછી સાવલી તાલુકા સહિત વડોદરા જિલ્લામાં હોદ્દેદારોના રાજીનામાનો સીલસીલો શરૂ થઈ ગયો હતો. ઈનામદારની ઈમાનદારીથી રૂપાણી સરકારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો, અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણી-ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા સહિતના ભાજપના અન્ય નેતાઓ ઈનામદાર માટે સુષ્ઠુ-સુષ્ઠુ બોલવા લાગ્યા હતા. કેતન ઈનામદારે પણ સરકાર તરફથી હકારાત્મક વલણ દાખવ્યા પછી જો કોઈ નક્કર ખાત્રી અપાશે તો પોતે રાજીનામું પાછું ખેંચી લેશે તેવું રટણ ચાલુ રાખ્યું હતું.

ગઈકાલે રાત્રે કેતન ઈનામદારે વડોદરાના સરકીટ હાઉસમાંથી મુખ્યમંત્રી- નાયબ મુખ્યમંત્રી સાથે  વાતચીત કરી હશે અને જીતુ વાઘાણીએ તેમને “સમજાવ્યા” હશે, તે પછી તેમણે તલવાર મ્યાન કરી લી હતી અને રાજીનામું પાછું ખેંચવાની તૈયારી બતાવી હોવાના અહેવાલો વહેતા થયા હતાં. અંતે મોડી રાત્રે કેતન ઈનામદારે રાજીનામું પાછું ખેચ્યું હતું.

આ આખો ઘટનાક્રમ જ વિચિત્ર હતો. મૂળ કારણો જે હોય તે ખરા, પરંતુ સાવલી નગરપાલિકાના બાકી વીજબીલ માટે પોષ્ટ ડેટેડ ચેક અંગે એમજીવીસીએલના કોઈ ઉચ્ચ અધિકારીએ નિયમો બતાવ્યા અને ઈનામદારે અકળાઈને ઊર્જામંત્રી સૌરભ પટેલને તેની જાણ કરી, તેમ છતાં ‘વ્યવહારૃ’ અભિગમ નહીં અપનાવાયો હોવાથી ઈનામદારે રાજીનામું આપ્યું હોવાનું જાહેર થયું હતું તે ઉપરાંત વિવિધ મીડિયા સાથે વાત કરતા ઈનામદારે પોતાના બે-ત્રણ ડ્રીમ પ્રોજેક્ટની વાત પણ કરી હતી. હવે વાઘાણીએ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સાથે વાત કરીને ઈનામદારના ડ્રીમ પ્રોજેક્ટને ફાસ્ટટ્રેક પર મૂકવા અને એમજીવીસીએલના એમડી ને કોઈ કડક સૂચના આપીને રિસાયેલા ધારાસભ્યને મનાવી લીધા હોવાની માહિતી મળી રહી છે.