ન્યુઝીલેન્ડ સામે પહેલી ટી-20 : ભારતનું ધ્યાન વર્લ્ડકપના પ્લાનિંગ પર


ઓસ્ટ્રેલિયા જેવી બરોબરીની ટીમને આકરી સ્પર્ધા પછી સીરિઝમાં પછાડનારી ભારતીય ટીમ હવે ઉંચા જુસ્સા અને આત્મવિશ્વાસ સાથે ન્યુઝીલેન્ડમાં પહોંચી છે. જ્યાં આવતીકાલે શુક્રવારે પાંચ ટી-20 મેચની સીરિઝની પહેલી મેચ રમાવાની છે, ત્યારે વિરાટ બ્રિગેડ આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારા વર્લ્ડકપને ધ્યાને લઇને જ મેદાને પડશે. ઇડન પાર્ક મેદાન પર રમાનારી પહેલી ટી-20માં ભારતીય ટીમ બુંલદ જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે તો સામા પક્ષે યજમાન કીવી ટીમને પોતાના મુખ્ય ખેલાડીઓની ઇજાથી થોડી પરેશાની છે.

આ સીરિઝમાં જો કોઇ મોટી કસોટી થશે તો તે ભારતીય બોલિંગ આક્રમણની થશે. ભારતીય ટીમ પાસે આ પ્રવાસમાં પોતાના બોલિંગ યુનિટની તાકાતને ટી-20 વર્લ્ડકપ પહેલા ફરી ધાર આપવાની તક આવી છે. ટીમમાં કેટલાક યુવા બોલર પણ છે જેઓ વર્લ્ડકપ માટેની ટીમમાં સ્થાન જમાવવા માટે આ સીરિઝનો ઉપયોગ કરી શકશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 12.30 કલાકથી શરૂ થશે. ભારત માટે જો કોઇ પરેશાની હોય તો તે છે ઇજામાંથી પાછો ફરેલો જસપ્રીત બુમરાહ એટલો પ્રભાવક રહ્યો નથી. જો કે તે વિકેટ નથી ઉપાડતો છતાં પોતાની બોલિંગ કરકસરયુક્ત રાખીને હરીફોને હંફાવે તો છે જ. નવદીપ સૈની પાસે આ સીરિઝ એક સારી તક બની શકે છે અને એ જ સ્થિતિ શાર્દુલ ઠાકુર માટે પણ છે.

ન્યુઝીલેન્ડમાં રાહુલની વિકેટકીપિંગની પ્રેક્ટિસ : પંત માટે મુશ્કેલી

શુક્રવારે અહીં રમાનારી પહેલી ટી-20 પહેલાની નેટ પ્રેક્ટિસમાં ભારતીય ટીમનો બેટ્સમેન કેએલ રાહુલ વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. તે આ પ્રેક્ટિસ કરતો દેખાતા યુવા વિકેટકીપર બેટ્સેમન ઋષભ પંત માટે મુશ્કેલી ઊભી થઇ શકે છે. બીસીસીઆઇ દ્વારા પોતાના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં લોકેશ રાહુલ વિકેટકીપિંગ કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોની કેપ્શનમાં બીસીસીઆઇએ લખ્યું હતું કે પોતાના કીપિંગ ગ્લવ્ઝ રાહુલે તૈયાર રાખ્યા છે?

ન્યુઝીલેન્ડ સામે બદલો લેવાની વાત બાબતે કોહલી બોલ્યો બોલ્યો આવું

ઇંગ્લેન્ડમાં ગત વર્ષે રમાયેલા વન ડે વર્લ્ડકપની સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે મળેલા પરાજયને ધ્યાને લેતા મેચ પૂર્વેની પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીને એ પરાજયનો બદલો લેવા બાબતેનો સવાલ પુછાયો હતો, ત્યારે કોલહીએ જવાબ આપ્યો હતો કે જો તમે બદલો લેવા બાબતે વિચારવા પણ માગશો તો તેઓ એટલા સારા લોકો છે કે તમને અવો વિચાર આવી પણ નહીં શકે. કોહલીએ ન્યુઝીલેન્ડની ટીમને રમતની એમ્બેસેડર ગણાવી હતી.