ઓકલેન્ડ ટી-20 : વિદેશમાં સૌથી મોટો રન ચેઝ કરી ભારતે ન્યુઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું

ભારતીય ટીમના યુવા બેટ્સમેન કેએલ રાહુલ અને શ્રેયસ ઐય્યરે તોફાની અર્ધસદી ફટકારીને અહીં રમાયેલી ન્યુઝીલેન્ડ પ્રવાસની પહેલી ટી-20માં 204 રનનો સૌથી મોટો ટાર્ગેટ વિદેશમાં ચેઝ કરી લઇને યજમાન ન્યુઝીલેન્ડને 6 વિકેટે હરાવ્યું હતું. ન્યુઝીલેન્ડે પ્રથમ દાવ લઇને કોલિન મુનરો, કેન વિલિયમ્સન અને રોસ ટેલરની અર્ધસદીની મદદથી 5 વિકેટે 203 રનનો સ્કોર બનાવ્યો હતો. જેની સામે ભારતીય ટીમે રાહુલના 56, ઐય્યરના 58 અને કોહલીના 45 રનની મદદથી 4 વિકેટે લક્ષ્યાંક કબજે કરી લીધો હતો.

204 રનના લક્ષ્યાંક સામે ટીમ ઇન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી અને રોહિત શર્મા બીજી ઓવરમાં જ અંગત 7 રન કરીને આઉટ થયો હતો. જો કે તે પછી રાહુલ સાથે જોડાયેલા કેપ્ટન કોહલીએ મોરચો સંભાળ્યો અને 4.5 ઓવરમાં ભારતે 50 રન પુરા કર્યા અને તે પછી 8.4 ઓવરમાં 100નો આંકડો પાર કરી લીધો હતો. રાહુલ 27 બોલમાં 56 રન કરીને આઉટ થયો તે પહેલા કોહલી સાથે તેણે 99 રનની ભાગીદારી કરી હતી. તેના પછી વિરાટ પણ તરત જ 32 બોલમાં 45 રન કરીને આઉટ થયો હતો. શિવમ દુબે પણ 13 રન કરીને આઉટ થયો તે પછી શ્રેયસ ઐય્યર અને મનીષ પાંડેએ મળીને ટીમને વિજય અપાવ્યો હતો. ઐય્યરે 29 બોલમાં નોટઆઉટ 58 રન કર્યા હતા. જ્યારે પાંડે 12 બોલમાં 14 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.

આ પહેલા ભારતીય ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી ન્યુઝીલેન્ડે પોતાના 3 બેટ્સમેનોની અર્ધસદીની મદદથી 204 રનનો પડકારજનક લક્ષ્યાંક મુક્યો હતો. કીવી ટીમે કોલિન મુનરોના 59, કેન વિલિયમ્સનના 51, રોસ ટેલરના નોટઆઉટ 54 અને માર્ટિન ગપ્તિલના 30 રનની મદદથી 5 વિકેટે 203 રન બનાવ્યા હતા. ભારત વતી ચહલ, બુમરાહ, દુબે, શાર્દુલ અને જાડેજાએ 1-1 વિકેટ ઉપાડી હતી, જ્યારે મહંમદ શમી મોંઘો સાબિત થયો હતો.