ન્યુઝીલેન્ડ-ભારત વચ્ચેની સીરિઝમાં પેસ બેટરી બનશે નિર્ણાયક

વર્લ્ડકપની સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે મળેલા પરાજય પછી ટીમ ઇન્ડિયા ફરી એકવાર કીવી ટીમ સાથે બાથ ભીડવા માટે તૈયાર છે. ભારતીય ટીમ કીવી ટીમને તેના ઘરમાં જ પડકારવા પહોંચી છે. આ બંને વચ્ચે 5 ટી-20, 3 વન ડે અને 2 ટેસ્ટની સીરિઝ રમાવાની છે અને આવતીકાલે અહી પહેલી ટી-20થી આ સીરિઝની શરૂઆત થશે. ન્યુઝીલેન્ડમાં કોણ કોને ભારે પડશે તેનો નિર્ણય જો કે પેસ બેટરી કરશે એ નક્કી છે.

કીવી ટીમ માટે એવું કહેવાય છે કે તેઓ પોતાની કન્ડીશન્ડમાં ઘણાં જોખમી બની રહે છે. જ્યાં સ્વિંગ અને સીમને મદદરૂપ પીચ હોય ત્યાં તેમના ઝડપી બોલર આગ વરસાવે છે. ટીમ ઇન્ડિયા માટે રાહતની વાત એ છે કે ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન અને મેટ હેનરી ઇજાને કારણે રમવાના નથી. આવા સમયે તેમની ઝડપી બોલિંગનો ભાર અનુભવી ઝડપી બોલર ટિમ સાઉધી સંભાળશે અને તેની સાથે કોલિન ડિ ગ્રાન્ડહોમ અને અન્ય નવા બોલરો ભારતીય ટીમને પડકાર ફેંકશે.

ન્યુઝીલેન્ડની ટીમના યુવા નવા ચહેરા ભારતીય ટીમને સરપ્રાઇઝ કરી શકે

કીવી ટીમમાં તેના 3 મુખ્ય બોલર ન હોવાથી તેઓ થોડા નબળા પડ્યા હશે, પણ તે છતાં તેમની પાસે એવા કેટલાક બોલર છે જે ભારતીય ટીમને આશ્ચર્યનો આંચકો આપી શકે છે. ન્યુઝીલેન્ડે પોતાની ટીમમાં 6.2 ફૂટની ઉંચાઇ ધરાવતા હેમિશ બેટનને સામેલ કર્યો છે. આ સિવાય બ્લેયર ટિકનેર અને સ્કોટ કગલેનના રૂપમાં બે યુવા બોલર પણ છે. આ તમામ પોતાની સ્પીડથી ભારતીય બેટ્સમેનોને ચોંકાવી શકે છે.

જસપ્રીત બુમરાહ ન્યુઝીલેન્ડની ધરતી પર પોતાની છાપ છોડવા આતુર

ન્યુઝીલેન્ડની ધરતી પર ભારતીય બોલર જોઇએ તેવી સફળતા મેળવી શક્યા નથી. માજી ઝડપી બોલર ઇરફાન પઠાણ અને હાલના ઇજાગ્રસ્ત બોલર ભુવનેશ્વર કુમારે જ અહીં આ ટીમ સામે સર્વાધિક 5-5 વિકેટ ઉપાડી છે. ઇરફાને 4 મેચમાં તો ભુવનેશ્વરે 6 મેચમાં આ વિકેટ ઉપાડી છે. હાલમાં ભારતીય ટીમની ઝડપી બોલિંગની આગેવાની સંભાળનાર બુમરાહ જો કે આ ઇતિહાસ બદલીને પોતાની છાપ છોડવા આતુર છે.