ફાયરીંગ વીડિયોમાં હવે હાર્દિક પટેલના સાથી લલિત વસોયાએ ઝંપલાવ્યું, વીડિયો થયો વાયરલ

કોંગ્રેસના ધારાસભ્યોના એક પછી એક ફાયરીંગ વીડિયો વાયરલ થઈ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન ટાણે હાર્દિક પટેલના સાથી એવા જેતપુરના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાનો વીડિયો વાયરલ થયો છે. લલિત વસોયા ફાયર કરતાં જોવા મળી રહ્યા છે.

જોકે, વાયરલ થયેલા વીડિયો અંગે લલિત વસોયાએ મીડિયાને જણાવ્યું કે તેઓ ફાયરીંગની પ્રેક્ટીસ કરી રહ્યા હતા ત્યારનો આ વીડિયો છે. વીડિયોમાં લલિત વસોયા એક પછી બે વખત ફાયર કરતાં જણાઈ આવી રહ્યા છે.

અત્રે નોંધનીય છે કે કચ્છ-અબડાસા કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર જયદિપસિંહ વિવાદમાં આવ્યો હતો. જયદીપસિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. અલગ-અલગ બંદૂકોથી ફાયરિંગ કરનારા જયદિપસિંહના ત્રણ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા અને આ વીડિયો વાયરલ થયા બાદ પોલીસ તપાસનો સામનો કરવાનો વારો આવ્યો હતો.