પેરિસમાં પ્રદર્શિત કરાયો વિશ્વનો બીજો સૌથી મોટો રફ હીરો

ફ્રેન્ચ ફેશન બ્રાન્ડ કંપની લુઇ વિટન દ્વારા અહીં પોતાના એક શો-રૂમમાં અસાધારણ મોટા કદનો રફ હીરો પ્રદર્શનમાં મૂક્યો હતો, જે હીરો વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો રફ હીરો માનવામાં આવે છે. સેવેલો નામનો આ હીરો દુનિયામાં અત્યાર સુધી શોધાયેલા હીરાઓમાં બીજા ક્રમનો મોટો હીરો માનવામાં આવે છે.

તેને જોવા માટે લુઇ વિટન દ્વારા ફક્ત થોડાક પસંદગીના લોકોને જ આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ રફ હીરો ૧૭પ૮ કૅરેટનો છે અને કદમાં તે ટેનિસ બોલ જેવડો છે અને તેનું વજન પ૩૦ ગ્રામ છે. આ હીરો બોત્સવાનામાં કેનેડા દ્વારા સંચાલિત એક ખાણમાંથી ગયા વર્ષે મળી આવ્યો હતો. લુઇ વિટને જાહેર કર્યું છે કે તેણે આ હીરો ખરીદી લીધો છે. જો કે તે માટે તેણે કેટલી કિંમત ચૂકવી તે જણાવ્યું નથી.

આ હીરા કરતા અત્યારે વિશ્વમાં ફક્ત એક જ હીરો મોટો છે, કુલીનન નામનો તે હીરો ૩૧૦૦ કૅરેટનો છે અને ૧૯૦પના વર્ષમાં તે દક્ષિણ આફ્રિકાની એક ખાણમાંથી મળી આવ્યો હતો. સેત્સવાનાની સ્થાનિક ભાષામં સેવેલોનો અર્થ દુર્લભ એ પ્રકારનો થાય છે. આ કાચા હીરા સેવેલોને હવે કાપીને તેમાંથી નાના હીરાઓ બનાવીને તે લુઇ વિટન દ્વારા ફાઇન જ્વેલરીના કલેકશનમાં મૂકવામાં આવશે.