ગેંગવોર: એક પછી એક પાંચ ગોળીઓ ધરબી સુરતના માથાભારે વસીમ બિલ્લાની નવસારીમાં હત્યા

સુરતમાંથી તડીપાર થયેલા માથાભારે મનાતા વસીમ બિલ્લાની નવસારીના છાપરા રોડ ખાતે મોડી રાત્રે પાંચ ગોળીઓ ધરબી દઈ હત્યા કરવામાં આવતા સુરત સહિત નવસારીમાં ચકચાર મચી જવા પામી છે. વસીમ બિલ્લાના નામે સુરતમાં અનેક ગુનો નોંધાયેલા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નવસારીના છાપરા રોડ ખાતે મણીનગર સોસાયટીની બાજુમાં આવેલા બોસ ‌જીમમાંથી વર્ક આઉટ કર્યા બાદ નીકળતી વખતે મુળ સુરતના રહેવાસી વસીમ બિલ્લા પર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બિલ્લા પર પાંચ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. બિલ્લા કારમાં બેસવા ગયો તેટલી વારમાં તેની રાહ જોઈને બેઠેલા હુમલાખોરોએ તેના પર ગોળીઓ છોડી દીધી હતી. કારમાં જ વસીમ બિલ્લાનું મોત નિપજ્યું હતું.

સુરતમાંથી તડીપાર થયા બાદ વસીમ બિલ્લા નવસારીના રંગુન નગર ખાતે આવેલા અલ્ટીમેટ હાઈટ્સમાં રહેતો હતો. ચાર ઈસમોએ વસીમ પર ફાયરીંગ કર્યું હોવાનું માનવામાં આવે છે. ફાયરીંગ કર્યા બાદ ચારેય જણા ફરાર થઈ ગયા હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે. આજુબાજુના સીસીટીવી ફૂટેજ મેળવવામાં આવી રહ્યા છે.

પોલીસ સૂત્રોની વાત માનીએ તો સુરતમાંથી શરૂ થયેલી ગેંગવોર નવસારી સુધી પહોંચી હોવાની આશંકા છે. સુરતમાં વસીમના નામે ખંડણી અને ધાક-ધમકીના કેસો નોંધાયેલા હતા. ભૂતકાળમાં વ્હોરા સમાજના અગ્રણી બદરી લેસવાળા પર વસીમ બિલ્લાએ હુમલો કર્યો હતો. આ ઉપરાંત સરદાર માર્કેટમાં લીંબુના વેપારી પાસેથી પણ ખંડણી માંગવાનો કેસ નોંધાયેલો હતો. જીમમાંથી બહાર નીકળતાંની સાથે જ વસીમ બિલ્લા પર ફાયરીંગ કરવામાં આવ્યું હતું અને તેને છટકવાનો કોઈ મોકો આપવામાં આવ્યો ન હતો.

બનાવની જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત નવસારી રૂરલનો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને તપાસ શરૂ કરી છે. ગેંગવોરમાં જ વસીમનુ ઢીમ ઢાળી દેવામાં આવ્યું છે કે અન્ય કોઈ કારણો છે તેની પોલીસ તપાસ કરી રહી છે.