મેન્સ ક્રિકેટથી કમાણી થતી હોય તો સમાન પેમેન્ટની વાત યોગ્ય ન ગણાય : સ્મૃતિ મંધાના

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાનાએ કહ્યું હતું કે તેને મેન્સ ક્રિકેટરોની સરખામણીએ ઓછુ પેમેન્ટ મળે છે તે સામે કોઇ ફરિયાદ નથી. મંધાનાએ કહ્યું હતુ કે હું એ સમજુ છું કે તેમને જે કમાણી મળે છે તે મેન્સ ક્રિકેટથી જ થાય છે.

આઇસીસીની મહિલા ક્રિકેટર ઓફ ધ યર રહેલી મંધાનાએ બુધવારે સ્પષ્ટ ભાષામાં કહ્યું હતું કે આપણે એ સમજવાની જરૂર છે કે અમને જે પૈસા મળે છે તેની કમાણી તો મેન્સ ક્રિકેટથી જ થાય છે. જે દિવસે મહિલા ક્રિકેટ કમાણી કરતું થઇ જશે તો સૌથી પહેલા સમાન પેમેન્ટની વાત હું કરીશ, પણ હાલના તબક્કે અમે એવું કહી શકીએ તેમ નથી.

બીસીસીઆઇના ટોપ બ્રેકેટમાં આવતા મેન્સ ક્રિકેટરને કોન્ટ્રાક્ટ હેઠળ વર્ષે 7 કરોડ મળે છે, જ્યારે મહિલા ક્રિકેટરને વર્ષે 50 લાખ મળે છે. મંધાનાએ કહ્યું હતું કે મને નથી લાગતું કે અમારી ટીમમાંથી કોઇ પણ સભ્ય હાલમાં આ બાબતે વિચારી રહ્યું હોય. અમારું સંપૂર્ણ ધ્યાન ભારત માટે મેચ જીતવા અને લોકોને મેદાન પર આવતા કરવા પર કેન્દ્રિત છે. તેનાથી જ રેવેન્યુ આવશે. અમે હાલમાં એ બાબત પર ધ્યાન આપી રહ્યા છીએ અને જો એમ થઇ જશે તો બાકીની બાબતો આપોઆપ લાઇન પર આવી જશે.