ગુજરાત ભાજપમાં છે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, ગમે ત્યારે મોટો ભડકો થવાની આશંકા

વડોદરા-સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદાર દ્વારા આકરું વલણ અપનાવીને વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને જ સીધું રાજીનામું આપી દેવામાં આવ્યા બાદ સાવલીમાં વધુ રાજીનામા પડ્યા છે. ભાજપ દ્વારા તેમને મનાવી લેવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તો કોંગ્રેસે તેમને પોતાની પાર્ટીમાં જોડાઈ જવાની ઓફર કરી છે. આ બધી ભાંજગડ વચ્ચે ભાજપની ભીતરે આંતરિક અસંતોષનો લાવા ભભૂકી રહ્યો હોવાનું વિદિત થઈ રહ્યું છે.

એક તરફ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ડેપ્યુટી ચીફ મિનિસ્ટર નીતિનભાઈ પટેલને સાથે રાખીને સરકારનું ગાડું ગબડાવ્યે જાય છે, તો બીજી તરફ સરકારની અંદર જ કોઈને કોઈ કારણે મતભેદો સર્જાઈ રહ્યાં હોવાના અહેવાલો ઉછળતા રહે છે, તાજેતરમાં જ ગુજરાત ભાજપમાં પણ તિવ્ર મતભેદો હોવાની વાતો વહેતી થઈ હતી. નિતીનભાઈ પટેલે કોઈ મુદ્દે સાંસદો પત્રો લખીને પોતાની જવાબદારી ખંખેરી નાંખતા હોવાની વાત કર્યા પછી તેના ઉગ્ર પડઘા પડતા નીતિનભાઈ પટેલે એ નિવેદનને ફેરવી તોડ્યું હતું.

સંગઠનમાં પણ આંતરિક ગડમથલ ચાલી રહી હોય તેમ જણાય છે, કારણકે પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ જાહેર કર્યું છે કે ગુજરાત ભાજપના જિલ્લા તાલુકા કક્ષાના અને રાજ્યકક્ષાના હોદ્દેદારો નિમવાની કવાયતમાં વાર લાગશે આનું કારણ જે હોય તે ખરૃં, પરંતુ ગુજરાત ભાજપમાં બધું જ બરાબર છે, અને કોઈ આંતરિક મતભેદો નથી, તેવી ટિપ્પણીઓ કરીને હવે આ વાસ્તવિકતા છુપાવી શકાય તેમ નથી.

રૃપાણી સરકારની કાર્યપ્રણાલી અંગે સાંસદો અને ધારાસભ્યોમાં ભારે અસંતોષ હોય તેમ જણાય છે. રાજ્યમાં માત્ર અમલદારશાહી ચાલી રહી છે. અને ભાજપના જ નેતાઓ કે લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓની અધિકારીઓ દ્વારા અવગણના થતી હોવાની ફરિયાદો પહેલા દબાતી જુબાનમાં થતી કે પાર્ટીના પ્લેટફોર્મમાં જ ઉઠતી હતી, તે ફરિયાદો હવે જાહેર થવા લાગી છે, અને અસંતોષનો ઉકળતો ચરૃ હવે પાર્ટીની શિસ્તના નામે લગાવાયેલા તાળા તોડીને થઈ રહેલા નિવેદનોના સ્વરૃપમાં દેખાવા લાગ્યો છે, અને ભરેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાવા પામી છે.

સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપતો પત્ર વિધાનસભાના અધ્યક્ષને મોકલ્યો હોવાના અહેવાલો પછી ગુજરાત ભાજપ અને રૃપાણી સરકારના વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે, સરકારની કાર્યપ્રણાલી સાથે ભારે અસંતોષ છે અને ધારાસભ્યો, સાંસદો કે મંત્રીઓને પણ બ્યુરોકેટસ દાદ આપતા નથી, તેવી ઉઠેલી ફરિયાદો પ્રત્યે સેવવામાં આવેલું દુર્લક્ષ હવે રૃપાણી સરકારને જ ભારે પડશે, તેવા સંકેતો મળી રહ્યા છે, જો કે, વાઘાણીની મુલાકાત પછી ઈનામદાર રાજીનામું પાછું ખેંચી શકે છે. તેવા અહેવાલો વચ્ચે વડોદરાના અન્ય કેટલાક હોદ્દેદારોએ પણ રાજીનામા ધરી દીધા હોવાનું જાણવા મળે છે.

લોકોના કામોને લઈને ધારાસભ્યો કે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને તંત્રના અધિકારીઓ ગાંઠતા નથી અથવા અવગણના કરે છે. તેવી ફરિયાદો સાર્વત્રિક બની છે અને સાવલીના ધારાસભ્યના રાજીનામા પછી જો આ જ પ્રકારે અસંતુષ્ટ વધુ ધારાસભ્યોના રાજીનામા પડે, તો રૃપાણી સરકાર પર ખતરો ઉભો થાય તેમ છે, જો કે, ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ અને મોદી-શાહની હજુ પણ રાજ્યના રાજકારણ પર પકડ હોવાથી કદાચ કેતનભાઈ હાલ તુરત માની ગયા હોય તો પણ ભાજપની અંદર જ ઉકળી રહેલા અસંતોષ ને ઠારવા રૃપાણી સરકારે કાર્યપદ્ધતિ બદલવી જ પડશે તેમ જણાય છે. જો કે, હવે તો મુખ્યમંત્રી જ બદલાઈ જશે તેવા સંકેતો મળી રહ્યા છે.

ભાજપમાં અસંતોષનું એક બીજું કારણ પણ છે, રાજ્યમાં બોર્ડ-નિગમો અને સરકાર હસ્તકના અન્ય એકમોમાં હોદ્દેદારોની નિમણૂકો લાંબા સમયથી થઈ રહી નથી, કે સંગઠનમાં પણ નિમણૂકો પાછળ ઠેલાતી જાય છે, તેથી જે નેતાઓ આવો કોઈ હોદ્દો મળવાની રાહ જોઈને બેઠા હોય કે ભૂતકાળમાં આવું કોઈ વચન ખાનગીમાં અપાયું હોય અને હવે અંગૂઠો દેખાડાઈ રહ્યો હોય તેવા નેતાઓ પણ નારાજ થઈને ‘નાક દબાવીને મોઢું ખોલાવવા’ની તરકીબ અજમાવતા હોય, તેવું બની શકે છે.

ભાજપમાં ભારેલો અગ્નિ ગમે ત્યારે ભડકામાં પરિણમી શકે છે અને આ ભડકો રૃપાણી સરકારને ભરખી શકે છે. કોંગ્રેસમાંથી આવેલા પક્ષપલટૂઓને હાલ તુરત કોઈ સ્થાન મળવાનું નથી, તેથી આંતરિક અસંતુષ્ટ જુથ વધુ મજબૂત બની રહ્યું છે. રાજકોટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં વ્યસ્ત રાજ્ય સરકાર માટે કેતન ઈનામદારનું રાજીનામું એક ‘વોર્નિગ બેલ’ જેવું છે. રૃપાણીને કેન્દ્ર સરકારમાં સમાવીને ગુજરાતમાં નવા મુખ્યમંત્રી આવે તેવી ચર્ચા પણ સોશ્યલ મીડિયામાં થઈ રહી છે.