બાંગ્લાદેશી સમજીને તોડી પડાયા ઝૂંપડા, પાછળથી ખબર પડી કે આ બધા તો ભારતીય છે

કર્ણાટકના પાટનગર બેંગ્લુરુમાં પોલીસકર્મીઓએ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે મળીને ઝૂંપડપટ્ટી તોડી નાખી હતી. પોલીસ અને પ્રશાસન માનતા હતા કે આ ઝૂંપડપટ્ટી ગેરકાયદેસર બાંગ્લાદેશીઓની છે. પરંતુ હવે માહિતી બહાર આવી રહી છે કે આ ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો ભારતીય છે.

બેંગ્લુરુના કરીયામન્ના અગ્રહરા સ્થિત આ ઝૂંપડપટ્ટીમાં 100 મકાનો હતા. આ ઝૂંપડપટ્ટીમાં 300 જેટલા લોકો રહેતા હતા. જ્યારે ભાજપના ધારાસભ્ય અરવિંદ લિંબાવલ્લીએ ટવિટ કરી આ ઝૂંપડપટ્ટી તોડી પાડવામાં આવી હોવાનું જણાવ્યું. તેમણે વીડિયોમાં કહ્યું હતું કે આ વસાહતમાં ગેરકાયદે લોકો રહેતા હતા.
બાદમાં જ્યારે તપાસ હાથ ધરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે જેમના મકાનો તોડી પાડવામાં આવ્યા છે તમામ લોકો આસામ, ત્રિપુરા અને ઉત્તર કર્ણાટકના છે. આ બધાની પાસે આધારકાર્ડ, પાનકાર્ડ અને ચૂંટણી ઓળખકાર્ડ છે.

બધા પાસે ભારતીય નાગરિકતા હોવાના પુરાવા છે. જોકે, આમાંથી કેટલાકનો સમાવેશ આસામમાં ચાલી રહેલી એનઆરસીની યાદીમાં પણ કરવામાં આવ્યો છે. જ્યારે લોકોએ સરકારને ફરિયાદ કરી ત્યારે જાણવા મળ્યું કે જે વ્યક્તિ પાસે આ આદેશ આપવાનો અધિકાર નથી, તેણે ઝૂંપડપટ્ટી તોડવાનો આદેશ આપ્યો હતો.

ઝૂંપડપટ્ટીને તોડી નાંખ્યા પછી કેટલાક લોકો પોતાના સંબંધીઓને ત્યાં સામાન લઈને ચાલ્યા ગયા છે, તો કેટલાક લોકો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે મહાનગર પાલિકાના કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓ કે જેમણે આ કામગીરી કરી છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે.

આ ઝૂંપડપટ્ટીમાં રહેતા જમાલુદ્દીને ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે અમે ઘણાં વર્ષોથી અહીં રહીએ છીએ. અમારી પાસે ભારતીય નાગરિક હોવાના બધા પુરાવા છે. દેશભરના લોકો આ ઝૂંપડપટ્ટીમાં રહે છે. પરંતુ આટલું બધા પુરાવા હોવા છતાં પણ અમવે ગેરકાયદેસર નાગરિક તરીકે જોવામાં આવે છે.

તમને જણાવી દઈએ કે 2018માં અરવિંદ લિંબાવલ્લી વિસ્તારમાં પણ આવો જ એક કિસ્સો સામે આવ્યો હતો. તે વખતે પણ ઝૂંપડપટ્ટી સામે અભિયાન ચલાવવામાં આવ્યું હતું.