બજેટ 2020: ઈન્કમ ટેક્સમાં મોદી સરકાર આપી શકે મસમોટી રાહત

મોદી સરકાર દેશના કરદાતાઓને મોટી રાહત આપી શકે છે. વાર્ષિક 20 લાખ રૂપિયા સુધીની આવક ધરાવનારાઓને આગામી વર્ષથી ઇન્કમ ટેક્સમાં મોટી રાહત મળી શકે છે. પહેલી ફેબ્રુઆરીએ રજુ થનાર બજેટમાં વિત્ત મંત્રી ઇન્કમ ટેક્સમાં મોટા ફેરફારની તૈયારીમાં છે. વિત્ત મંત્રી નિર્મલા સીતારમણે તાજેતરમાં ટેક્સ રેટમાં ઘટાડાનાં સંકેત આપ્યા છે.

ટેક્સ રેટ પર સવાલ પુછવા પર નાણા મંત્રીએ કહ્યું હતું કે, ઇન્કમ ટેક્સ રેટને વધારે તર્કસંગત બનાવવા સહિત અન્ય ઉપાયો પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે વાર્ષિક સાત લાખ રૂપિયા સુધીની આવક પર પાંચ ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં પાંચ લાખ રૂપિયાની સુધીની કમાણી પર પાંચ ટકા ટેક્સ લાગે છે. જ્યારે 7 થી 10 કે 12 લાખ રૂપિયા સુધીની કમાણી પર 10 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં 5 થી 10 લાખ રૂપિયા સુધીની કમાણી પર 20 ટકા ટેક્સ લાગે છે.

જ્યારે 10થી 20 લાખ રૂપિયા સુધીની કમાણી પર 20 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. વર્તમાન સમયમાં 10 લાખ રૂપિયાથી વધારેની કમાણી પર 30 ટકા ટેક્સ વસુલવામાં આવે છે. 20 લાખથી 10 કરોડ રૂપિયા સુધીની કમાણી પર 30 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે. આ ઉપરાંત 10 કરોડ રૂપિયાથી વધારેની કમાણી પર 35 ટકા ટેક્સનો પ્રસ્તાવ છે.

વર્તમાન ટેક્સ વ્યવસ્થાના હિસાબે કોઈપણ વ્યક્તિની વાર્ષિક આવક 2.5 લાખ રૂપિયાથી વધારે છે તે ટેક્સના દાયરામાં આવે છે. પરંતુ હવે લોકોને મોદી સરકાર રાહત આપી શકે છે.