અહો આશ્ચર્યમ: રેલવેમાં આવું પણ બને છે! અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસના મુસાફરોને 100 રૂપિયા અપાયા

રેલ્વે નેટવર્કમાં પ્રથમ વખત કોઈ ટ્રેન મોડી પડવાના કારણોસર મુસાફરોને વળતર આપવામાં આવ્યું છે. અમદાવાદ-મુંબઇ તેજસ એક્સપ્રેસના આશરે 630 મુસાફરો 80 મીનીટ વિલંબના કારણે બુધવારે મોડી રાત્રે પહોંચ્યા હતા. પરિણામે  તેઓ વળતર મેળવવા માટે હકદાર છે. નોંધનીય છે કે તેજસ એક્સપ્રેસ એ ટ્રેનોની શ્રેણીની એકમાત્ર ટ્રેન છે જે તેના મુસાફરોને વિલંબ માટે વળતર આપે છે.

જો ટ્રેન એક કલાકથી વધુ મોડી હોય તો 100 રૂપિયાનું વળતર આપવામાં આવે છે જ્યારે બે કલાકના વિલંબ માટે 250 રૂપિયા આપવામાં આવે છે. આ બીજી વખત તેજસ એક્સપ્રેસના મુસાફરોને વળતર આપવામાં આવી રહ્યું છે. ઓક્ટોબર 2019માં દિલ્હી-લખનૌ તેજસ એક્સપ્રેસના 950 મુસાફરોને ત્રણ કલાકના વિલંબને કારણે 250 રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

અમદાવાદ-મુંબઇ ટ્રેનના કિસ્સામાં મીરા રોડથી ભાયંદર વચ્ચે બપોરે 12:38થી બપોરે 1:30 વાગ્યા સુધીના ઓવર હેડ લાઈનમાં ટેક્નિકલ સમસ્યાને કારણે પશ્ચિમ રેલ્વેની સેવાને અસર થઈ હતી. આના કારણે તેજસ સહિત લાંબા-અંતરની ચાર ટ્રેનોને અસર થઈ. આઈઆરસીટીસીના પબ્લિક રિલેશન અધિકારી કહે છે, ‘ઓવર હેડ ઇલેક્ટ્રિક વાયરને કારણે ટ્રેન મોડી પડી હતી. 75 મિનિટ મોડી ટ્રેન દોડતી હોવાથી મુસાફરો 100 રૂપિયા વળતર મેળવવાના હકદાર છે.

તેજસ એક્સપ્રેસના મુસાફરો દાવો કરી શકે છે અને તેમના નાણાં ઉપાડી શકે છે. આઇઆરસીટીસી અનુસાર 630 મુસાફરો વળતર મેળવવાના હકદાર છે. મુસાફરો 1800-266-8844 પર કોલ કરી શકે છે અથવા irctcclaim@libertyins.in પર મેઇલ કરી શકે છે. મુસાફરો પીએનઆર નંબર સાથે વીમા નંબર અને કેન્સલ ચેક આપવાનાં રહેશે. આ તમામ માહિતી આપ્યા બાદ દાવાની ઉપર આગળની કાર્યવાહી કરવામાં આવશે.