રઘૂવીર માર્કેટ સ્વાહા થયા બાદ સુરત મહાનગર પાલિકાએ માર્કેટોના એલિવેશનને લઈ કર્યો આવો મોટો નિર્ણય

રવિવારે મળસ્કે સુરતના પનાસ રોડ પર આવેલી રઘુવીર માર્કેટમાં આગ ફાટી નીકળી હતી અને 24 ક્લાકના અંતે આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. આગ ફાટી નીકળવાના કારણોની તપાસ કરવામાં આવી રહી છે પણ ફાયર બ્રિગેડ દ્વારા માર્કેટના એલિવેશન સામે જબરદસ્ત વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને આગ વધુ પ્રસરી તે માટે માર્કેટના એલિવેશનને પણ કારણભૂત ગણાવવામાં આવ્યું છે.

આ દરમિયાનમાં એસએમસીના સૂત્રોએ જણાવ્યું કે સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાનિધિ પાનીએ શહેર વિકાસ ખાતા અને માર્કેટ વિસ્તારોમાં આવેલી માર્કેટના સંચાલકો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય મુજબ કોઈ પણ પ્રકારની બિલ્ડીંગનું એલિવેશન મંજુર કરવામાં આવે તો એ એલિવેશન ફાયર બ્રિગેડ સહિત તમામ અન્ય ઈમરજન્સી માટે આસાની સાથેનું હોવું જોઈએ.

જાણવા મળ્યા મુજબ સુડા ખાતે સુરત બિલ્ડર એસોસિએશન તથા રઘુવીર માર્કેટના સંચાલકો સાથે મીટીંગ કરવામાં આવી હતી. આ મીટીંગમાં એસએમસી કમિશનર સાથેની ચર્ચામાં કેટલાક નિર્ણયો લેવામાં આવ્યા હતા. લેવાયેલા નિર્ણયોમાં 30 દિવસમાં જોખમી એલિવેશન દુર કરવામાં આવશે. આ ઉપરાંત એલિવેશન માટે નવી પોલિસી બનાવવામાં આવશે. આ સિવાય માર્કેટ કે હાઈરાઈઝ બિલ્ડીંગ માટે ત્રણ વિભાગની જવાબદારી નક્કી કરવામાં આવશે. આ વિભાગોમાં ઈલેક્ટ્રીક વિભાગ, શહેર વિકાસ વિભાગ-એલિવેશન અને ફાયર સેફટી માટે ફાયર વિભાગની જવાબદારી રહેશે.

સૂત્રોના જણાવ્યા મુજબ આગમાં ભયાનક રીતે નુકશાન પામેલી રઘુવીર માર્કેટને સંપૂર્ણપણે તોડી પાડવા માટે સ્ટ્રચર ઈજનેર પાસે રિપોર્ટ મંગાવવામાં આવશે અને ત્યાર બાદ જ માર્કેટને તોડવી કે નહીં તોડવી તેવો નિર્ણય કરવામાં આવશે. સુડામાં મળેલી મીટીંગ બાદ કમિશનર બંછાનિધિ પાનીએ માર્કેટનું બીયુસી સર્ટીફિકેટ રદ્દ કરવાનો હુકમ કર્યો હતો અને આગ ઓલાવવાની કામગીરીનો ચાર્જ માર્કેટ સંચાલકો અને બિલ્ડર પાસેથી વસૂલવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

ફાયરના ડેપ્યુટી કમિશનર એનવી ઉપાધ્યાયે ગઈકાલે મીડિયાને કહ્યું હતું કે રઘુવીર માર્કેટમાં આગ સમયસ નહીં ઓલાવી શકાઈ તેની પાછળનું મોટું કારણ માર્કેટનું ફાયબર એલિવેશન હતું. ફાયબર એલિવેશનના કારણે ફાયર ફાઈટરોને માર્કેટમાં પ્રવેશ કરીને આગ ઓલાવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

સૂત્રો જણાવી રહ્યા છે કે રઘૂવીર માર્કેટમાં ફાયર બ્રિગેડને પાણીનો મારો ચલાવવા માટે ભારે હાલાકી અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. માર્કેટનું એલિવેશન ચારેબાજુથી ફાયબરથી પેક હોવાના કારણે ફાયરની ટીમ માટે મુશ્કેલીઓ સર્જાઈ હતી. ફાયર ટીમે તમામ તાકાત લગાડી માર્કેટમાં જીવના જોખમે પ્રવેશ કર્યો હતો અને આગને ઠારવાની કામગીરી કરી હતી.

આંખે દેખ્યા અહેવાલ મુજબ રઘુવીર માર્કેટમાં જો એલિવેશન ફાયર એક્સેસેબલ રહ્યું હોત તો આગને વહેલીસર કાબૂમાં લઈ શકવામાં ફાયર ફાઈટરોને આસાની રહી હોત. એલિવેશનના કારણે ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

રઘુવીરની જેમ શહેરમાં અનેક માર્કેટ અને રેસિડેન્સિયલ બિલ્ડીંગ્સને પણ ફાયબર એલિવેશનથી કવર કરવામાં આવેલી છે. આવી માર્કેટો અને રેસિડેન્સિલ બિલ્ડીંગ્સમાં ફાયર એક્સેસ નહીં મળે તો મોટી દુર્ઘટના સર્જાયા વિના રહેશે,જેથી કરીને એસએમસી કમિશનરે એલિવેશન માટે નવા આદેશ કરી ફાયર એક્સેસેબલ કરવા માટે તમામ સંબંધિત વિભાગોને આદેશ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.