CAA પર સ્ટે નહીં, કેન્દ્રને ચાર અઠવાડિયાનો સમય, જાણો શું-શું થયું સુપ્રીમ કોર્ટમાં?

નાગરિકતા સુધારો અધિનિયમ(CAA) મામલે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટથી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે CAAના અમલ પર સ્ટે આપવાનો ઈન્કાર કરી દીધો છે અને કેન્દ્ર સરકારને જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય આપ્યો છે. આગામી સુનાવણીમાં આ મામલો બંધારણીય બેંચને સોંપવાનો નિર્ણય પણ લઈ શકાય છે.

નાગરિકતા સુધારા કાયદાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બુધવારે સુનાવણી કરવામાં આવી હતી. આ સાથે આ મામલે દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી માટે બંધારણીય બેંચની રચના કરી શકાય છે. કેન્દ્ર સરકારને હવે આ મામલે જવાબ આપવા માટે ચાર અઠવાડિયાનો સમય મળી ગયો છે અને હવે પાંચમા અઠવાડિયામાં ચીફ જસ્ટીસની બેન્ચ આ મુદ્દે સુનાવણી કરશે.

બુધવારે સુપ્રીમ કોર્ટે CAA અંગે દાખલ કરાયેલી કુલ કુલ 144 અરજીઓની સુનાવણી દરમિયાન સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો. આ મુદ્દે સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટમાં બુધવારે જે બન્યું  તે અહીંયા લખવામાં આવ્યું છે. વાંચો આખી સુનાવણી…

  • સુપ્રીમ કોર્ટે સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટનો મુદ્દો સંવિધાન બેંચને આપવાના સંકેત આપ્યા છે. હવે ચાર અઠવાડિયા પછી આ મુદ્દે સુનાવણી થશે, જેમાં બેંચની રચના કરવામાં આવશે. મુખ્ય ન્યાયાધીશ એસ. એ. બોબડે, ન્યાયમૂર્તિ અબ્દુલ નઝીર અને ન્યાયાધીશ સંજીવ ખન્નાએ બુધવારે આ મુદ્દે સુનાવણી કરી હતી.
  • આસામ,પૂર્વોત્તરના રાજ્યો અને ઉત્તર પ્રદેશને લગતી અરજીઓ માટે સુપ્રીમ કોર્ટ દ્વારા એક અલગ કેટેગરી બનાવવામાં આવી છે. વિકાસ સિંઘ, ઇન્દિરા જયસિંહ તરફથી અદાલતમાં અપીલ કરવામાં આવી હતી કે આસામનો મુદ્દો સંપૂર્ણપણે જુદો છે, તેથી તેમની વહેલી તકે સુનાવણી થવી જોઈએ.
  • આસામ, ઉત્તર-પૂર્વ અને યુપી સાથે સંબંધિત કેસો માટે એક અલગ બેંચની રચના કરવામાં આવશે, જે ફક્ત આ રાજ્યોને સંબંધિત અરજીઓની સુનાવણી કરશે. આસામને લગતી અરજીઓનો જવાબ આપવા કેન્દ્ર સરકારને 4 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.
  • એડવોકેટ કપિલ સિબ્બલ વતી અપીલ કરવામાં આવી હતી કે આ મામલો બંધારણીય બેંચ સમક્ષ મોકલવામાં આવે. ઉત્તર પ્રદેશમાં CAAની પ્રક્રિયા શરૂ થઈ રહી છે, તેથી આ પ્રક્રિયા ત્રણ મહિના માટે મુલતવી રાખવી જોઈએ. કોર્ટે તેમ કરવાનો ઇનકાર કરી દીધો છે.
  • સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી કે નાગરિકતા સુધારા કાયદા અંગે કોઈ પણ હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવે નહીં. આના પર કોર્ટે આદેશ આપ્યો છે કે આ મુદ્દે કોઈ હાઈકોર્ટ સુનાવણી નહીં કરે.
  • વકીલો દ્વારા સીએએ પર તાત્કાલિક સ્ટે આપવાની અપીલ કરવામાં આવી હતી, પરંતુ મુખ્ય ન્યાયાધીશે કહ્યું કે, ફક્ત બંધારણીય બેંચ જ તેના પર નિર્ણય લઈ શકે છે. જે પાંચ ન્યાયાધીશોની રહેશે.
  • આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં કોઈપણ નવી અરજી દાખલ કરી શકાય છે. કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું હતું કે નવી અરજીઓ પર પ્રતિબંધ મૂકવો જોઇએ.
  • સુપ્રીમ કોર્ટે આ કેસને તાત્કાલિક સ્થગિત કરવાનો ઇન્કાર કરી દીધો છે કારણ કે તમામ અરજીઓની સુનાવણી થવાની છે. કોર્ટે કહ્યું કે એક જ અરજીની સુનાવણી કરીને તાત્કાલિક સ્ટે આપી શકાતો નથી.
  • હવે પછી આ મુદ્દે સુનાવણીની પ્રક્રિયા શું હશે તેના પર મુખ્ય ન્યાયાધીશની ચેમ્બરમાં પ્રક્રિયાની સુનાવણી કરવામાં આવશે. ચેમ્બરમાં યોજાનારી સુનાવણીમાં ફક્ત એક જ વકીલને કેસની તક મળશે.
  • સુપ્રીમ કોર્ટમાં સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ વિરુદ્ધ કુલ 141 અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આ સિવાય એક અરજી તેની તરફેણમાં હતી અને કેન્દ્ર સરકાર વતી અરજી કરવામાં આવી હતી.