ભાજપમાં ભડકો: વડોદરાના “સરકારે” આપ્યો ભાજપ સરકારને ઝટકો, આપી દીધું ધારાસભ્ય પદેથી રાજીનામું

વડોદરાની સાવલી વિધનાસભાના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દેતા વિવાદ ઘૂમરાયો છે. તેમણે પોતાનું રાજીનામું સીધું જ વિધાનસભાના સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને મોકલી આપ્યું છે. કેતન ઈનામદાર સાવલીમાં સરકારના હૂલામણા નામે જાણીતા છે અને વડોદરા-સાવલીના સરકારે ગુજરાતની ભાજપ સરકારને ઝટકો આપ્યો છે.

કેતન ઈનામદારે રાજીનામું આપવાન કારણોમાં જણાવ્યું છે કે પોતાના મતવિસ્તારના પ્રશ્નો અને સમસ્યાઓ અંગે અવગણના કરવામાં આવી રહી છે. મતવિસ્તારમાં વિકાસના કામો માટે થઈ રહ્યા નથી. વિજય રૂપાણી અને જીતુ વાઘાણીની જોડી કામ થવા દેતી નથી.

કેતન ઈનામદારે રાજીનામા પત્રમાં જણાવ્યું છે કે સરકારના મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ ધ્યાન આપી રહ્યા નથી. ધારાસભ્ય પદની ગરીમા જળવાતી નથી. સરકારના મંત્રીઓ અને અધિકારીઓ મારી તથા મારા સાથી ધારાસભ્યોની પણ અવગણના કરી રહ્યા છે. પ્રજાહિતના કાર્યોની સતત અવગણના કરવામાં આવી રહી છે. અને આ કારણોસર સાવલીના ધારાસભ્ય પદેથી રાજીનામું આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.