વિશ્વ વિક્રમી મહાકાય ચોકલેટ કૅન્ડી બાર : વજન છે માત્ર બે મેટ્રિક ટનથી વધુ

તમારે ચોકલેટ કેન્ડી ખાવી હોય તો કેટલાી ખાઇ શકો? તમને થશે કે આ કેવો વિચિત્ર સવાલ છે. પણ એવો સવાલ કરવાનું કારણ એ છે કે  હાલમાં એક ચોકલેટ બનાવતી કંપનીએ એવી મહાકાય  વિશ્વવિક્રમી ચોકલેટ કેન્ડી બાર બનાવી છે કે જેનું વજન એક બે કિલો કે 100 કિલો નથી પણ બે મેટ્રિક ટનથી વધુ છે અને તેને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસનું સૌથી મોટી ચોકલેટ કેન્ડીનું સર્ટીફિકેટ મળ્યું છે.

જાણીતી ચોકલેટ કંપની સ્નિકર્સ દ્વારા હાલમાં એક મહાકાય કૅન્ડી બનાવવામાં આવી છે. આ કૅન્ડી બારનું વજન ૨૧૪૪ કિલોગ્રામ કરતાં પણ થોડું વધુ થયું છે અને તેને વિશ્વની સૌથી મોટી ચોકલેટ કૅન્ડી તરીકે ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકર્ડસમાં સ્થાન મળ્યું છે. સ્નિકર્સ દ્વારા આ કૅન્ડી બાર બનાવવા માટે પ૪૪ કિલોગ્રામ કેરેમલ, મગફળી અને નોગટના મિશ્રણનો તથા લગભગ ૧પ૮૭ કિલોગ્રામ ચોકલેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આ કૅન્ડી બારને પૈંડાવાળા એક સ્ટેન્ડ પર મૂકવામાં આવ્યું હતું. પોતાના આ વિશાળ કૅન્ડી બારને સ્નિકર્સ કંપની દ્વારા સુપર બાઉલ એલઆઇવી કોમર્શિયલ એડમાં પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. આ વિશાળ કૅન્ડી બારની નોંધ લેતા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકર્ડસ દ્વારા સોશ્યલ મીડિયા પર લખવામાં આવ્યું હતું કે વિશ્વના સૌથી મોટા ચોકલેટ નટ બારના સર્જન માટે સ્નિકર્સને અભિનંદન. જેનું વજન ૪૭૨૮ પાઉન્ડ છે, જેમાં ૩પ૦૦ પાઉન્ડ ચોકલેટ અને ૧૩૦૦ પાઉન્ડ કેરેમલ છે.