કચ્છ: કોંગ્રેસના ધારાસભ્યના પુત્રનો ફાયરીંગ કરવાનો વીડિયો થયો વાયરલ, તપાસમાં લાગી પોલીસ

કચ્છ-અબડાસા કોંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર જયદિપસિંહ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. જયદીપસિંહનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે. જુદી જુદી બંદૂકોથી ફાયરિંગ કરનારા જયદિપસિંહના ત્રણ વીડિયો તેણે પોતે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. વીડિયો વાયરલ થયા બાદ પોલીસ આની તપાસ કરી રહી છે.

પશ્ચિમ કચ્છ પોલીસના એસ.પી. સૌરભ તોલંબીયા દ્વારા નખત્રાણાના ડીવાયએસપી વીએન યાદવને આ મામલે તપાસ કરવાનો આદેશ અપાયો છે. તેમના કહેવા મુજબ પોલીસ ત્રણેય વીડિયોની તપાસ કરી રહી છે અને જયદીપસિંહ પાસે રિવોલ્વર લાયસન્સ છે કે નહીં? આ અંગે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. જો જરૂર પડે તો આર્મ્સ એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે.

નોંધનીય છે કે અગાઉ એક કંપની સાથેના ઝઘડાને કારણે જયદિપસિંઘને જેલમાં જવાનો વારો આવ્યો હતો. હવે ફાયરિંગનો વીડિયો વાયરલ થતાં પિતા પ્રદ્યુમ્ન સિંહની મુશ્કેલીઓમાં વધારો થયો છે. અને કચ્છની સાથે જ જયદિપસિંહનો આ વીડિયો પણ રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં આ વિશે ઘણી ચર્ચાઓ થઈ છે. પરંતુ પોલીસ તપાસ બાદ જ આ કેસની સત્યતા બહાર આવશે.