પુત્રના લગ્નની તૈયારી વચ્ચે સુરતનો વેવાઈ નવસારીની વેવાણને લઈને જ છૂમંતર

કોઇ બે જણા લગ્ન કરે તો તેના કારણે બે પરિવાર એક બને છે પણ નવસારી અને સુરતના બે ઉભયજીવીઓ વચ્ચેના પ્રણયના કિસ્સાએ બે પરિવારને એક કરવાને બદલે તેમની વચ્ચે એવી ખાઇ પાડી દીધી કે જેના કારણે બંને પરિવારોને નીચાજોણું તો થયું જ છે પણ તેની સાથે જ આ બંનેના પુત્ર અને પુત્રી હવે એકબીજા સાથે લગ્ન કરવા કે રાખડી બાંધવી તેની વિમાસણમાં ફસાયા છે .

સુરતનો વેવાઇએ પોતાના પુત્રના નવસારીની વેવાણની પુત્રી સાથે નક્કી કર્યા હતા અને પોતાના પુત્ર-પુત્રીના લગ્ન નક્કી કર્યા પછી વર્ષો બાદ મળેલા આ બંને પ્રેમીને વર્ષો પહેલા એક નહીં થઈ શક્યાનો જે વસવસો હતો તે તેમણે એકબીજા સાથે ભાગીને પુરો કરી લીધો હતો. આ તરફ લગ્ન માટે પરિવારમાં તૈયારીઓ ચાલતી હતી. અને મૂરતિયાનો પિતા અને કન્યાની માતા ભાગી જતાં સમાજમાં ફજેતો થયો હતો. અને લગ્ન સાથે એક થવાનાં શમણાં જોનારાં બે હૈયાં જુદાં થઈ ગયાં હતાં. લગ્ન પણ રદ કરવા પડ્યાં હતાં.

મૂળ અમરેલીના ઉં.વ.48 વર્ષના પુરૂષ વર્ષો પહેલાં સુરતના કતારગામમાં સ્થાયી થયા હતા. તેમણે ટેક્સટાઈલ અને પ્રોપર્ટીના ધંધામાં ઝંપલાવીને નામ અને દામ કમાયા હતા. તેમના પુત્રને નવસારીની યુવતી સાથે પ્રેમ થયો હતો અને બંને એક જ સમાજના હોવાથી પરિવારને પણ કોઈ વાંધો ન હોવાથી લગ્ન ગોઠવાયાં હતાં. અને પરિવારે આગામી ફેબ્રુઆરીએ 14મીએ વેલેન્ટાઇન્સ ડેના દિવસે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. બંને પરિવાર દ્વારા લગ્ન માટે તૈયારીઓ આદરી દેવાઈ હતી. પરંતુ તાજેતરમાં જ વરરાજાના પિતા એકાએક લાપતા થઈ ગયા હતા. એ દરમિયાન નવસારીથી યુવતીનો ફોન વરરાજા પર આવ્યો હતો કે મારી મમ્મી ક્યાંક ચાલી ગઈ છે. જેથી અમારો પરિવાર ટેન્શનમાં છે. આ વાતને 10 દિવસ થઈ જતાં રહસ્ય વધુ ઘેરું બન્યું હતું.

દરમિયાન વરારાજાના પિતાના મિત્રોને આ વાતની જાણ થતાં જ તેમણે શોધખોળ શરૂ કરી હતી. અને વરરાજાએ પિતાના મિત્રને કહ્યું હતું કે, મારા પપ્પા ગુમ થઈ ગયા છે અને સાસુ પણ લાપતા છે. વાતચીત દરમિયાન તેણે પિતાના મિત્રને થનારાં સાસુનો ફોટો બતાવ્યો હતો. એ જોઈ પિતાના મિત્રો પરિસ્થિતિ પામી ગયા હતા. અને તેમણે તેને કહ્યું કે, તારા સાસુ તો તારા પપ્પાની પ્રેમિકા છે. આ વાત સાંભળી વરરાજાના તો હોશ ઊડી ગયાં હતાં.

યુવાનને ખબર પડી કે તેના પપ્પા અને સાસુ તેમની યુવાનીમાં એક જ સોસાયટીમાં રહેતાં હતાં. અને બંને વચ્ચે ગાઢ પ્રેમ હતો. પરંતુ કિસ્મતને કાંઈ ઓર જ મંજૂર હતું. તેની સાસુના નવસારીમાં લગ્ન થઈ જતાં પ્રણયસંબંધ ઉપર બ્રેક લાગી ગઈ હતી. તેના પતિ હીરા ઘસવાનું કામ કરતા હતા અને જમીન લે-વેચ કરી આર્થિક પગભર હતા. યુવાને ઘરે આવી પરિવારને વાત કરી હતી. તેના પિતા થનારાં સાસુ એટલે કે પોતાના વેવાણને લઈને જ ભાગી ગયાં છે એ વાત સમાજમાં વહેતી થઈ ગઈ હતી. પિતાના આ પગલાંને કારણે સમાજમાં ખૂબ જ બદનામી થઈ હતી. આ તરફ જે બે હૈયાં જિંદગીભર એક થવાનાં સપનાં જોતાં હતાં એમનાં સપનાં ચકનાચૂર થઈ ગયાં હતાં. વેવાઈ અને વેવાણ ભાગી જતાં વર-કન્યાનાં ઓરતાં અધૂરાં રહી ગયાં હતાં. લગ્ન પણ રદ કરવાની નોબત આવી હતી.