બોલિવૂડના બે દિગ્ગજ ડાન્સ ગુરુ વચ્ચે છેડાઈ જબરદસ્ત જંગ, ઉભો થયો છે મોટો વિવાદ

બૉલિવુડના ડાન્સર્સ માટેની સૌથી જૂનું સિને ડાન્સર્સ અસોસિયેશન (CDA) અને નવા રચાયેલા ઑલ ઇન્ડિયા ફિલ્મ ટેલિવિઝન ઇવેન્ટ ડાન્સર્સ અસોસિયેશન (AIDTEDA) આજકાલ આમને સામને છે. જાણીતા કોરિયોગ્રાફર ગણેશ આચાર્યએ CDA હોવા છતાં AIDTEDA બનાવ્યું. હવે બંને અસોસિયેશન એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે.

તાજેતરમાં જ સરોજ ખાનને CDAના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરાયાં છે, જ્યારે ગણેશ આચાર્ય IFTCA (ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન કોરિયોગ્રાફર અસોસિયેશન)ના જનરલ સેક્રેટરી તરીકે કાર્યરત છે. આ પદનો જ ગણેશ આચાર્ય લાભ ઉઠાવી રહ્યા છે અને અન્ય કોરિયોગ્રાફરોને CDAના બદલે AIFTEDAના સભ્ય બનવા ઉશ્કેરી રહ્યા છે. CDAના વરિષ્ઠ સભ્યોના જણાવ્યા મુજબ, ગણેશ આચાર્યએ એકવાર કહ્યું હતું કે CDAનું આખી જિંદગી સમર્થન કરશે અને હવે અચાનક AIFTEDA શરૂ કર્યું.

CDAના અમુક ડાન્સર્સે એવો પણ આક્ષેપ કર્યો કે AIFTEDAમાં જેઓ સભ્ય બની રહ્યા છે તેમની પાસે સોગંદનામા પર સહી કરવા જણાવાય છે અને એના પૈસા ગણેશ આચાર્ય દ્વારા ભરવામાં આવે છે.

વિવાદ અંગે પૂછતા કોરિયોગ્રાફર અને CDAનાં બ્રાન્ડ એમ્બેસેડર સરોજ ખાને જણાવ્યું કે, ગણેશ આચાર્ય અને તેમના પિતા પણ સિને ડાન્સર્સ અસોસિયેશનના સભ્ય હતા. તો હવે અસોસિયેશન તોડવાની કોશિશ કેમ કરી રહ્યા છે? આની અસર ઘણા ડાન્સર્સની આજીવિકા પર પડશે.