બજેટ પહેલાં મોદી સરકારને વધુ એક આંચકો, IMF પછી આ એજન્સીએ GDPનો અંદાજ ઘટાડ્યો

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ-IMF ( આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ) પછી અન્ય એક રેટિંગ એજન્સીએ ભારતીય અર્થવ્યવસ્થાના જીડીપી વૃદ્ધિના અંદાજમાં ઘટાડો કર્યો છે. ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચ દ્વારા આગામી નાણાકીય વર્ષમાં એટલે કે 2020-21માં ભારતના કુલ ઘરેલુ ઉત્પાદન (જીડીપી) 5.5 ટકાના વૃદ્ધિદરનો અંદાજ મૂક્યો છે.

આ પહેલા IMFએ ચાલુ નાણાકીય વર્ષ 2019 – 20માં ભારતની જીડીપીમાં 4..8 ટકા અને કેન્દ્ર સરકારની નેશનલ સ્ટેટીક્સ ઓફીસ (CSO) દ્વારા પાંચ ટકાના વિકાસનો અંદાજ મૂકવામાં આવ્યો છે. એટલે કે, આવતા વર્ષે પણ તેમાં થોડો વધારો થશે.

નોંધનીય છે કે ગયા વર્ષે નવેમ્બરમાં ફિચ ગ્રૂપની આ રેટિંગ એજન્સીએ 2019-20માં ભારતનો જીડીપી 5.6  ટકા વધવાનો અંદાજ લગાવ્યો હતો. એજન્સીનું કહેવું છે કે અગાઉ એવું માનવામાં આવતું હતું કે આવતા નાણાકીય વર્ષમાં થોડો સુધારો થશે, પરંતુ ભારતીય અર્થતંત્ર ઓછા વપરાશ અને રોકાણની ઓછી માંગના ગાળામાં અટવાયું લાગે છે.

ઈન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના અર્થશાસ્ત્રી સુનીલ સિંહાએ જણાવ્યું હતું કે “અમને નાણાકીય વર્ષ 2021માં થોડો સુધારો થવાની અપેક્ષા હતી, પરંતુ તેના પર પણ જોખમ છે. તેનું કારણ એ છે કે ભારતીય અર્થતંત્ર ઓછા વપરાશ અને નબળા માંગના ચક્રમાં અટવાયું લાગે છે.”