વિશ્વના સૌથી મોટા અમદાવાદના મોટેરા સ્ટેડીયમને ડોનાલ્ડ ટ્રમ્પ ખૂલ્લો મૂકશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચની શરૃઆતમાં ત્રણ દિવસના ભારત પ્રવાસે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. આ વચ્ચે એવો અંદાજ લગાવાઈ રહ્યો છે કે, મોટેરામાં તૈયાર થઈ રહેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ટ્રમ્પ ઉદ્ઘાટન કરી શકે છે. રાજ્ય સરકારના ટોચના અધિકારીના જણાવ્યા મુજબ, યુએસના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. એવામાં પીએમ નરેન્દ્ર મોદી અને ટ્રમ્પ સાથે મળીને મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરી શકે છે. ટ્રમ્પ ભારત પ્રવાસ દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લઈ શકે છે. આ પહેલીવાર હશે જ્યારે અમેરિકાના કોઈ રાષ્ટ્ર પ્રમુખ ગુજરાતની મુલાકાતે આવશે.

સત્તાધારી પાર્ટીના ટોચના સૂત્રો મુજબ, મોદી અને ટ્રમ્પ એક સાથે મળીને મોટેરા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરશે. તે યુએસમાં પાછલા સપ્ટેમ્બરમાં યોજાયેલા ‘હાઉડી મોદી’ કાર્યક્રમનું પરસ્પર આદાન-પ્રદાન હશે. રૂપિયા 800 કરોડના ખર્ચે તૈયાર થનારૃ મોટેરા સ્ટેડિયમ લગભગ તૈયાર છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ભારત સરકારે પીએમ મોદી સાથે યુએસના રાષ્ટ્ર પ્રમુખની મુલાકાત માટે જરૃરી બધી અરેન્જમેન્ટ કરવા માટે રાજ્ય સરકારને જાણ કરી છે. રાજ્ય સરકારના તંત્રને કેન્દ્ર તરફથી કહેવાયું છે કે બન્ને નેતા અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમના ઉદ્ઘાટન સમારોહમાં સામેલ થશે, અને આ ૧પ થી રર ફેબ્રુઆરી વચ્ચે થઈ શકે છે.

આ દરમિયાન ગાંધીનગરમાં આવેલા મહાત્મા ગાંધી મંદિરમાં 15થી 22 ફેબ્રુઆરી વચ્ચે ‘કન્વર્ઝેશન ઓફ માઈગ્રેટરી સ્પિસીસ ઓફ વાઈલ્ડ એનિમલ્સ’ની 13મી સમિટ યોજાઈ રહી છે, જેમાં પીએમ મોદી હાજર રહેવાના છે. આ સમિટમાં 120 દેશોના ડેલિગેટ્સ પણ હાજર રહેવાના છે.

સરકારના સૂત્રો મુજબ ટ્રમ્પ પણ પોતાના ભારત પ્રવાસની શરૃઆત ગુજરાતથી કરી શકે છે. આ પછી તેઓ દ્વિપક્ષીય ચર્ચા માટે દિલ્હી જશે. મોદી 2014માં પ્રધાનમંત્રી બન્યા ત્યાર પછીથી દુનિયાના ટોચના નેતાઓ ગુજરાતની મુલાકાત લઈ ચૂક્યા છે. જેમાં ચીનના રાષ્ટ્ર પ્રમુખ શી જિનપિંગ, જાપાનના રાષ્ટ્ર પ્રમુખ શિન્ઝો આબે, ઈઝરાયલના રાષ્ટ્ર પ્રમુખ બેન્જામિન નેતન્યાહુ, યુએનના સેક્રેટરી જનરલ બાન કી મૂન, પૂર્વ યુએસ સ્ટેટ સેક્રેટરી જોન કેરી સામેલ છે.