સ્પેનના કોસ્ટા બ્લાન્કા અને વેલેન્સીયામાં બરફની ચાદર છવાઇ

સોમવારે સવારે સ્પેનના પૂર્વ કાંઠાના કોસ્ટા બ્લાન્કા અને વેલેન્સીયામાં સખત શિયાળુ તોફાન ત્રાટક્યું હતું જેને કારણે આ વિસ્તારમાં બરફની એક ફૂટની ચાદર છવાઇ ગઇ હતી જ્યારે તોફાની પવનને કારણે દરિયાના મોજાઓ કાંઠા વિસ્તારમાં ફરી વળતા ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું.
આ તોફાનને કારણે એલીકાન્ટ એરપોર્ટ બંધ કરી દેવું પડ્યું હતું જેને કારણે લંડન, ન્યુ કેસલ, બ્રિસ્ટોલ, એડિનબર્ગ જતી ફ્લાઇટો રદ કરવી પડી હતી.

વેલેન્સિયામાં સાત કલાક સુધી બરફ વર્ષા થતાં રસ્તાઓ પર બરફની ત્રણ ઇંચ જાડી ચાદર છવાઇ ગઇ હતી અને ૩પ૦૦૦ જેટલા લોકો બાકીના ભાગોથી વિખુટા પડી ગયાં હતાં. વેલેન્સીયાના ગેંડીઆમાં હાઇપોથર્મિયાને કારણે એક પ૪ વર્ષીય રોમાનીયન મહિલાનું મૃત્યુ થયું હતું. તોફાની પવનને કારણે દરિયો પણ તોફાની બન્યો હતો અને કોસ્ટા બ્લાન્કા ઉપરાંત ડેનીયા અને એલીકાન્ટ વિસ્તારોમાં પણ દરિયાના પાણી ઘરોમાં ઘૂસી ગયા હતાં. કેટલાકે આ દૃશ્યોની ફિલ્મ પણ ઉતારી લીધી હતી.