મોદી સરકારની રમત બાબતોની સમિતિમાંથી સચિન તેંદુલકર અને વિશ્વનાથન આનંદની બાદબાકી

માજી દિગ્ગજ ક્રિકેટર સચિન તેંદુલકર અને ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદને કેન્દ્રની મોદી સરકારની રમત સંબંધિત કમિટીમાંથી બહાર મુકી દેવાયા છે. આ બંનેને સમિતિની બેઠકમાં ભાગ ન લેવાને કારણે આ બંને દિગ્ગજોને તેમાંથી બાકાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બેડમિન્ટન કોચ પુલેલા ગોપીચંદને પણ તેમની વધુ પડતી વ્યસ્તતાને કારણે કમિટીમાંથી બહાર મુકવામાં આવ્યા છે. આ ઉપરાંત બાઇચુંટ ભૂટિયાને પણ તેમાંથી બહાર મુકવામાં આવ્યો છે. મોદી સરકાર દ્વારા દેશમાં રમતના વિકાસ સંબંધિત બાબતોએ સલાહ મેળવવા માટે ડિસેમ્બર 2015માં આ કમિટી બનાવીને તેમાં સચિન અને આનંદને સ્થાન આપ્યું હતું.

કમિટિમાં નવા સભ્ય તરીકે હરભજન સિંહ, કે શ્રીકાંત, પીટી ઉષા, દીપા મલિક, યોગેશ્વર દત્તને સામેલ કરાયા

નવા સભ્યો તરીકે તેમાં ઓફ સ્પિનર હરભજન સિહ અને માજી કેપ્ટન ક્રિશ્નામાચારી શ્રીકાંતને સ્થાન અપાયું છે. જે તે સમયે તત્કાલિન રમત મંત્રી સર્વાનંદ સોનેવાલ દ્વારા રચાયેલી આ કમિટીમાં 27 સભ્યોનો સમાવેશ કરાયો હતો, જો કે હવે તેની સંખ્યા ઘટાડીને 18 કરી દેવામાં આવી છે. આ કમિટીમાં સામેલ થયેલા અન્ય નવા સભ્યોમાં તીરંદાજ લિમ્બા રામ, પીટી ઉષા, બછેન્દ્રી પાલ, પેરાલિમ્પિયન દીપા મલિક, શૂટર અંજલી ભાગવત, રેનેડી સિંહ અને રેસલર યોગેશ્વર દતત્નો સમાવેશ થાય છે. ગોપીચંદ હાલ ટોક્યો ઓલિમ્પિક્સની તૈયારીમાં વ્યસ્ત હોવાને કારણે તેને આ કમિટીમાંથી બહાર રાખવામાં આવ્યો છે.