સુરતમાં આગ: રઘુવીર માર્કેટમાં છે 800 દુકાનો, 250થી 300 કરોડનાં નુકશાનનો અંદાજ, સદ્દનસીબે જાનહાનિ ટળી

સુરતની રઘૂવીર માર્કેટમાં ગત મોડી રાત્રે ફાટી નીકળેલી આગ આ લખાય છે ત્યારે પણ કાબૂમાં આવી નથી. ફાયર બ્રિગેડની 50 કરતાં વધારે ગાડીઓ પાછલા 12 ક્લાકથી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહી છે. પણ આગ લપકારા મારી રહી છે અને ઓલવાઈ રહી નથી.

રઘૂવીર માર્કેટના વેપારીએ મીડિયાને જણાવ્યું કે માર્કેટમાં અંદાજે 800 જેટલી દુકાનો છે. આ દુકાનો કાપડના તાકાથી ભરેલી હતી. માર્કેટમાં પંદર દિવસ પહેલાં પણ આગ લાગી હતી પણ એ આગ નાની હતી અને ઓલવી નાંખવામાં આવી હતી. માર્કેટ 10 માળની છે અને એવી આશંકા છે ભારે વીજ કન્ઝમ્પશનના કારણે શોર્ટ સર્કીટ થવાના કારણે આગ ફાટી નીકળી હોવાનું બની શકે છે. જોકે, હજુ સુધી સત્તાવાર રીતે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.

ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો છે અને તમામ ફાયર સ્ટેશનોમાંથી 1800 હજાર લીટર પાણી ધરાવતા બંબાઓને રઘૂવીર માર્કેટ ખાતે મોકલવામાં આવી રહ્યા છે.  મહત્વની વાત એ છે કે રાત્રીના સમયે આગ લાગી હોવાથી માર્કેટ ખાલી હતી અને માર્કેટની આગમાં હાલ જાનહાનિ થઈ હોવાનો કોઈ સમાચાર મળી રહ્યા નથી.

વેપારીના જણાવ્યા મુજબ આગના કારણે સમગ્ર માર્કેટ લપેટમાં આવી ગઈ છે અને અંદાજે 250-300 કરોડ કરતાં વધારે નુકશાનનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે.