સુરત: ભીષણ આગમાં આખીય રઘુવીર માર્કેટ સ્વાહા, 12 ક્લાકે પણ આગ કાબૂમાં આવી નથી

સુરતના પુણા કંભારીયા રો઼ડ પર આવેલી રઘુવીર માર્કેટમાં મોડી રાત્રે 3.30 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી જે આ લખાય છે ત્યાં સુધી હજુ કાબુમાં આવી નથી. આગ એટલી ભીષણ છે કે તેને બુઝાવવા માટે સુરત ઉપરાંત, બારડોલી, હજીરાની કંપનીઓના તેમજ નવસારી સહિતના ગામોમાંથી ફાયર ટેન્કરો મદદ માટે આવ્યા છે અને અંદાજે 60થી વધુ ફાયર ટેન્કર હાલમાં આગ બુઝાવવાની કામગીરી કરી રહ્યાં છે.

આ આગ કેવી રીતે લાગી તેની કોઇ વિસ્તૃત માહિતી મળી નથી જો કે આ માર્કેટમાં આજથી 15 દિવસ પહેલા પણ આગ લાગી હતી, 7 માળની આ માર્કેટમાં લાગેલી આગને કારણે ઘણી દુકાનો બળીને ખાક થઇ છેં. ફાયર બ્રિગેડના  અધિકારીએ માહિતી આપી હતી કે આગમાં હજુ સુધી કોઇ જાનહાની થયાના અહેવાલ નથી સારોલી વિસ્તારમાં આવેલી આ માર્કેટમાં રાત્રીના સમયે આગ લાગી હોવાથી માર્કેટ બંધ હોવાને કારણે જાનહાની થઇ નથી.

સુરત ફાયર કન્ટ્રોલના જણાવ્યા મુજબ હજુ પણ આગને ઓલાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સમગ્ર માર્કેટમાં આગના લપકારા જોવા મળી રહ્યા છે. સુરત મહાનગરપાલિકાની આખીય ફાયર ટીમ આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો કરી રહી છે. માર્કેટમાં કાપડ અને લાકડાની કેબિનો હોવાથી આગ ભડકી રહી છે. પાણીનો સતત મારો ચલાવવામાં આવી રહ્યો છે. 12 ક્લાક વિત્યા છતાં આગ કાબૂમાં આવી નથી.