ડિટેન્શન સેન્ટર, પોલીસ ફોર્સનો ઉપયોગ, CAA અંગે કોંગ્રેસે ગણાવ્યા મોદી-શાહના નવ જૂઠ્ઠાણા

સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ(CAA) અને નેશનલ રજિસ્ટર ફોર સીટીઝનશીપ(NRC) મુદ્દે કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર સતત આકરા પ્રહારો કરવામાં આવી રહ્યા છે. મંગળવારે કોંગ્રેસના નેતા કપિલ સિબ્બલે CAA- NRC મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા બોલાતા 9 ‘જૂઠાણા’ ગણાવ્યા હતા. કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો હતો કે, અમિત શાહ, પીએમ મોદીએ ડિટેન્શન સેન્ટરથી લઈ પોલીસ ફોર્સના ઉપયોગ સહિતના મુદ્દાઓ પર જુઠ્ઠાણું ચલાવ્યું છે.

કપિલ સિબ્બલે કહ્યું કે ગૃહમંત્રી અમિત શાહ કહે છે કે વિપક્ષના નેતાએ મારી સાથે જાહેરમાં ચર્ચા કરવી જોઈએ, પરંતુ હું વડા પ્રધાન અને દેશના ગૃહ પ્રધાનને પડકાર ફેંકું છું કે તે સીએએ, એનઆરસી પર મારી સાથે ચર્ચા કરો. આ અંગે શું નિયમ રહેશે તેનો નિર્ણય કરવામાં આવે. સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે તેઓ એવા દેશમાંથી આવ્યા છે જ્યાં દરેક ધર્મનું સન્માન કરવામાં આવે છે, પરંતુ જેમની પાસે વિવેક નથી, તેઓ શું વાત કરશે.

પહેલું જુઠ- CAA ભેદભાવ નથી કરતો

કપિલ સિબ્બલે કહ્યું કે બંધારણમાં એવું લખ્યું છે કે દેશમાં જેનો જન્મ થાય છે અથવા તેના માતાપિતાનો જન્મ થાય છે, તો તેને ભારતીય નાગરિકત્વ મળશે. આમાં ધર્મનો કોઈ આધાર રહેશે નહીં. બંધારણને ઘણાં કારણોસર નાગરિકત્વ આપવાનો અધિકાર છે, જેમાં ધર્મ માર્ગમાં આવતો નથી. પરંતુ સીએએના કારણે ધર્મના આધારે નાગરિકત્વ મળી રહ્યું છે.

બીજું જુઠ- CAAનું NRC સાથે લેવું દેવું નથી

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે મોદી સરકાર પોતે સહમત છે કે પહેલા CAA આવશે, ત્યારબાદ NRC આવશે. ગૃહમંત્રી અમિત શાહે ખુદ લોકસભામાં આ વાત કરી છે. જેથી CAAનું NRC સાથે કશી લેવા-દેવા નથી એવી તેમની વાત જુઠ છે.  આ કિસ્સામાં, આ વસ્તુ પણ અસત્ય છે.

ત્રીજું જુઠ- પીએમ મોદી કહે છે કે સરકારે NRC અંગે ચર્ચા કરી નથી

આ સરકારના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં NRCના અમલીકરણનો ઉલ્લેખ કર્યો છે. આવી રીતે વડા પ્રધાન કેવી રીતે એવો દાવો કરી શકે છે કે NRC પર હજી સુધી ચર્ચા થઈ નથી. અમિત શાહે રાજ્યસભામાં પણ આ વાતો કહી છે.

ચોથું જુઠ- NRC હજુ સુધી નોટીફાય થયું નથી

2003માં NRC લાવવામાં આવ્યો ત્યારે તેમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે કે NRCને વાજપેયી સરકારે કાયદો બનાવ્યો હતો.

પાંચમું જુઠ- NRC હજુ શરૂ કરાયું નથી

કોંગ્રેસ નેતાએ આરોપ લગાવ્યો કે NRC પ્રક્રિયા શરૂ થઈ નથી એમ કહેવું ખોટું છે. સરકારના મંત્રીએ ગૃહમાં નિવેદન આપ્યું છે કે NPR સાથે જ NRCની પ્રક્રિયા એપ્રિલ 2020માં શરૂ થશે. તેનું ગેઝેટ પણ બહાર પાડવામાં આવ્યું છે.

છઠ્ઠું જુઠ- NPRનું NRC સાથે કશી નિસ્બત નથી

ગૃહ મંત્રાલયના રિપોર્ટમાં લખ્યું છે કે NRCનું પહેલું પગલું NPR જ હશે. આવી સ્થિતિમાં સરકાર પણ આ મુદ્દે ખોટા નિવેદનો આપી રહી છે. NPR વિના NRC શક્ય જ નથી.

સાતમું જુઠ- કોઈ પણ ભારતીયે ડરવાની જરૂર નથી

આસામમાં NRC થઈ તો પૂર્વ રાષ્ટ્રપતિના પરિવારના નામો લિસ્ટમાં ન હતા. કારગીલ યુદ્વના હીરોનું નામ NRCમાં ન હતું. આવી સ્થિતિમાં સરકાર કેવી રીતે કહી શકે કે કોઈએ ડરવાની જરૂર નથી.

આઠમું જુઠ- પીએમએ કહ્યું કોઈ ડિટેન્શન સેન્ટર નથી

સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે આસામમાં 6 ડિટેન્શન સેન્ટર છે,  જેમાં 988 લોકો છે. આ ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્રમાં પણ સેન્ટર બનાવવામાં આવ્યા છે.

નવમું જુઠ- વિરોધ કરતા લોકો પર ફોર્સનો ઉપયોગ નહી કરાયો

તેમણે કહ્યું કે  ઉત્તરપ્રદેશમાં ડઝનેક લોકોનાં મોત થયા છે. કેવી રીતે કહી શકાય કે પોલીસ ફોર્સનો ઉપયોગ કરવામાં આવ્યો નથી કે બળ પ્રયોગ કરવામાં આવ્યો નથી.

તમને જણાવી દઈએ કે કોંગ્રેસ નાગરિકતા સુધારો કાયદાના મુદ્દે સતત વિરોધ કરી રહી છે. બીજી તરફ ભાજપ કાયદાની તરફેણમાં રેલી કાઢી રહ્યું છે. ભાજપ તરફથી ગૃહમંત્રી અમિત શાહથી લઈને અન્ય કેન્દ્રીય મંત્રીઓ દેશના ઘણા ભાગોમાં સભાઓ કરી રહ્યા છે.