લખનૌમાં અમિત શાહ ગરજ્યા, કહ્યું “જેટલો વિરોધ કરવો હોય કરો પણ CAA પાછો નહીં ખેંચાય”

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વરિષ્ઠ નેતા અમિત શાહ સિટીઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) ના સમર્થનમાં લખનૌના બંગલા બજાર સ્થિત રામકથા પાર્ક ખાતે રેલીને સંબોધન કર્યું હતું.

સભાને સંબોધન કરતાં કહ્યું કે દુષ્પ્રચાર કરી દેશને તોડનારા લોકોનાં કારણે આજે ભાજપે આ જન જાગૃતિ અભિયાન કરવું પડ્યું છે. તેમણે કહ્યું કે ભ્રમણા ફેલાવવામાં આવી રહી છે કે CAA દ્વારા દેશના મુસ્લિમોની નાગરિકતા છિનવાઈ જશે. મમતા દીદી, અખિલેશ, રાહુલ બાબા તમે લોકો સ્ટેજ શોધી કાઢો. આ કાયદામાં કોઈની પણ નાગરિકતા છીનવી લેવાની જોગવાઈ નથી. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતીઓને નાગરિકત્વ આપવાની જોગવાઈ છે.

તેમણે કહ્યું કે આજે હું CAAનો વિરોધ કરનારાઓને પૂછવા માંગુ છું કે, પાકિસ્તાનમાં રહેતા 23 ટકા લઘુમતી લોકો ત્રણ ટકા કેવી રીતે થઈ ગયા? તેમની વસ્તી કેવી રીતે ઓછી થઈ. તે લોકોને મારી નાંખવામાં આવ્યા છે? ધર્મ પરિવર્તન કરી દેવામાં આવ્યું છે? લોકો પોતાનો જીવ બચાવીને ભાગ્યા છે. શું બહેરા કાન અને આંધળી આંખોવાળા લોકોએ આ જોયું નથી? કાશ્મીરી પંડિતોને ધર્મના આધારે તેમના પોતાના ઘરેથી દેશનિકાલ કરવામાં આવ્યા હતા ત્યારે માનવ અધિકાર ક્યાં ગયા હતા?

અમિત શાહે કહ્યું કે જેને જેટલો વિરોધ કરવો હોય કરે પણ CAAનો કાયદો પાછો લેવામાં આવશે નહીં.  અમે હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના ખ્રિસ્તી શરણાર્થીઓને નાગરિકત્વ આપીશું. એક વાર શરર્ણાર્થી શિબિરમાં જઈને જુઓ. જેમની પાસે હવેલીઓ હતી તેઓને તંબૂમાં રહેવાની ફરજ પડે છે. ફક્ત એટલા માટે કે તે કોઈ ખાસ ધર્મમાંથી આવે છે.