ગુજરાત રાજ્યમાં મંગળવારથી 2થી 4 ડિગ્રી સુધી પારો ગગડી જવાની ચેતવણી

ઉત્તર ભારતમાં પડી રહેલી હિમવર્ષાને પગલે હવે ગુજરાત પણ તીવ્ર ઠંડીમાં ધ્રૂજી રહ્યું છે. જ્યારે હવામાન વિભાગ દ્વારા તા.20મી જાન્યુ.ને બાદ કરતાં આગામી તા.21થી 24મી જાન્યુ દરમિયાન 2થી 4 ડિગ્રી સુધી ઠંડીનો પારો નીચે ગગડી જાય તેવી ચેતવણી આપવામાં આવી છે. આમ હજુયે એક સપ્તાહ દરમિયાન ગુજરાતમાં કાતિલ ઠંડી યથાવત રહેશે. કચ્છમાં તીવ્ર ઠંડીની અસર વધુ અસર વર્તાઈ રહી છે. તેની સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ઠંડીના કારણે જનજીવનને અસર જોવા મળી રહી છે.

આજે રવિવારે રાજ્યમાં નલિયામાં 4.6 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. જ્યારે અમદાવાદ અને ગાંધીનગર પણ ઠંડીની ઝપેટમાં આવી ગયાં છે. ચાર શહેરોમાં ઠંડીનો પારો નીચે ઊતરી ગયો છે. અમદાવાદની હવામાન વિભાગની કચેરીનાં સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યનાં અન્ય શહેરો પૈકી અમદાવાદમાં 12.1 ડિ.સે., ડિસામાં 11.6 ડિ.સે., ગાંધીનગરમાં 9.0 ડિ.સે., વડોદરામાં 11.8 ડિ.સે., સુરતમાં 12.8 ડિ.સે., અમરેલીમાં 10.0 ડિ.સે., ભાવનગરમાં 11.6 ડિ.સે., રાજકોટમાં 9.2 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 10.0 ડિ.સે., ભૂજમાં 9.0 ડિ.સે., અને નલિયામાં 4.6 ડિ.સે. લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.