અમેરિકામાં જાણીતા ગુજરાતી કવિ ડો. અશરફ ડબાવાલાની પુત્રીના ભેદી મોતનું ઘેરાતું રહસ્ય

મૂળ ગુજરાતી એવા ખ્યાતનામ તબીબ અને ગુજરાતી તથા અંગ્રેજી કાવ્યકાર ડો. અશરફ ડબાવાલાની પુત્રી સુરીલ લાપતા થયા બાદ તેનો મૃતદેહ રહસ્યમય સંજોગોમાં તેની જ કારમાંથી મળી આવ્યાના દિવસો થયા પછી પણ હજી આ મૃત્યુનો ભેદ ઉકેલાઇ શક્યો નથી. ડો. અશરફ ડબાવાલાની 34 વર્ષીય પુત્રી સુરીલ ડબાવાલા 30મી ડિસેમ્બરે જીમમાં ગયા બાદ ઘરે પાછી ફરી ન હતી. કેટલાક ઓળખીતાઓએ તેને છેલ્લે કાર ડ્રાઇવીંગ કરતી જોઇ હતી. તે ઘરે પાછી નહીં ફરતા સ્થાનિક પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તેના પણ દિવસો સુધી સુરીલનો કોઇ પત્તો નહીં મળતા ડબાવાલા કુટુંબે ખાનગી ડિટેકટીવો રોક્યા હતા.

આ ડિટેકટીવોને શિકાગો શહેરના એક વિસ્તારમાં સુરીલની કાર પડેલી મળી આવી હતી. જે કારની ડીકી ઉઘાડતા તેમાંથી સુરીલનો મૃતદેહ એક ધાબળામાં વિંટાળેલો મળી આવ્યો હતો. સુરીલના મૃતદેહ પર કરવામાં આવેલ પોસ્ટમોર્ટમમાં કોઇ ચોક્કસ તારણ નીકળી શક્યું નથી. ડોકટરોએ જણાવ્યું છે કે તેના મૃતદેહ પર કોઇ ઇજા કે હુમલાના નિશાન દેખાતા નથી. તેને ઝેર અપાયું છે કેમ? તે જાણવા માટેના ટોક્સીકોલોજી પોસ્ટમોર્ટમનો અહેવાલ આવતા એક મહિનો નીકળી જશે એમ જાણવા મળે છે એટલે હાલ તો આ રહસ્ય વણઉકેલાયેલું જ રહેવા પામ્યું છે.

સુરીલનો મૃતદેહ તેની કારની ડીકીમાં આ રીતે બ્લેન્કેટમાં વીંટાળીને કોણે મૂક્યો અને કઇ રીતે તેનું મૃત્યુ થયું એ બાબત પોલીસ માટે પણ એક કોયડાનો વિષય બની રહી છે. સુરીલની છેલ્લી ગતિવિધિઓ માટે માહિતી મેળવવા શિકાગો પોલીસે હવે જાહેર પ્રજાને પણ મદદ માટે અપીલ કરી છે.

સુરીલની બહેન ઇશિતાએ જણાવ્યું હતું કે સુરીલના આવા અંત બાબતે અમને કશું જ સમજાતું નથી. તે લાપતા હતી ત્યારે તેની માહિતી આપનાર માટે ડબાવાલા કુટુંબે 10000 ડોલરનું ઇનામ પણ જાહેર કર્યું હતું. ડબાવાલા કુટુંબ શિકાગો નજીકના શેમ્બર્ગમાં રહે છે. અશરફ ડબાવાલા અહીં તબીબ તરીકે પણ ખ્યાતનામ છે અને તેઓ કવિ તરીકે પણ જાણીતા છે. તેમની પુત્રી સુરીલ એમબીએ થઇ હતી અને પોતાના પિતા દ્વારા જ સંચાલિત હોસ્પિટલમાં કામ કરતી હતી.