ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા વિશે જાણો આટલું, બિહારથી લઈ હિમાચલ સુધીની રાજકીય સફર

જેપી નડ્ડા ભાજપના 14મા રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટાયા છે. જેપી નડ્ડા સાથે આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ અને અન્ય નેતાઓ પણ હાજર રહ્યા હતા. જ્યારે ઘણા રાજ્યોમાંથી ભાજપના કાર્યકરો પણ આ ખાસ પ્રસંગે હાજર રહેવા સોમવારે દિલ્હી પહોંચ્યા હતા. હવે પીએમ નરેન્દ્ર મોદી બપોરે ચાર વાગ્યે ભાજપના હેડ ક્વાર્ટર પહોંચશે અને કાર્યકરોને સંબોધન કરશે.

નોંધનીય છે કે અમિત શાહનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ પાછલા વર્ષે જાન્યુઆરી મહિનામાં પૂરો થઈ હતો અને લોકસભાની ચૂંટણીને લઈ અમિત શાહને અધ્યક્ષપદે ચાલુ રાખવામાં આવ્યા હતા.

મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં આરોગ્ય પ્રધાન તરીકે 50 કરોડ ગરીબ લોકો માટે દર વર્ષે પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર માટે આયુષ્માન ભારત જેવી મહત્વાકાંક્ષી યોજનાઓ અને બાળકોના રસીકરણ માટે ઈન્દ્રધનુષ જેવી યોજનાઓને સફળતાપૂર્વક અમલમાં મૂકનાર જેપી નડ્ડાને મોદી-2 કેબિનેટમાં સ્થાન મળ્યું ન હતું. ત્યાર બાદ સ્પષ્ટ થઈ ગયું હતું કે તેમને ભાજપ સંગઠનની કમાન સોંપવામાં આવશે.

તમને જણાવી દઈએ કે, જેપી નડ્ડા વિદ્યાર્થીકાળથી એબીવીપી સાથે સંકળાયેલા હતા અને સંગઠનોમાં વિવિધ હોદ્દાઓ સંભાળતાં 1993માં પહેલી વાર હિમાચલ પ્રદેશના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તે પછી તેઓ રાજ્ય અને કેન્દ્રમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. જેપી નડ્ડા જેપી આંદોલન સાથે ચર્ચામાં આવ્યા હતા. જેપી નડ્ડા 1977થી 1979 સુધી રાંચીમાં રહેતા હતા. 1975માં જેપી ચળવળમાં ભાગ લીધા પછી તેઓ બિહારની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા.

પટનાથી સ્નાતક થયા પછી જે.પી.નડ્ડા એલએલબીનો અભ્યાસ કરવા હિમાચલ પ્રદેશ ગયા. 1983માં પ્રથમ વખત હિમાચલ પ્રદેશ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં તેઓ વિદ્યાર્થી પરિષદના પ્રમુખ તરીકે ચૂંટાયા. આજે જેપી નડ્ડાને ભાજપ અધ્યક્ષ તરીકે તાજપોશી સાથે તેઓ પાર્ટીનો હવાલો સંભાળનારા હિમાચલના પ્રથમ નેતા બનશે.