સ્પેનમાં ઘૂસવા છોકરાને કારના ડેશબોર્ડમાં સંતાડયો!

એક આઘાતજનક બનાવમાં પોલીસને કારના ડેશબોર્ડ એક બાળક મળી આવ્યો હતો જેને સ્પેનમાં દાણચોરી કરીને લઈ જવામાં આવી રહ્યો હતો. છુપાયેલું કમ્પાર્ટમેન્ટ બહુ જ નાનું હતું જેમાં છોકરાને ઘાતક સ્થિતિમાં સૂવું પડયું હતું અને તે એકંદરે ગુંગળાઈ ગયો હતો.

આફ્રિકાના ઉત્તરપશ્ચિમી કાંઠા પર આવેલા સ્પેનીશ સ્વાયત્ત શહેર મેલિલામાં સુરક્ષા દળોના જવાનોએ કારના ડેશબોર્ડમાંથી છોકરાને કાઢયા બાદ તેની સારવાર માટે ડોક્ટરોને બોલાવ્યા હતા. છોકરાને ચક્કર આવી રહ્યા હતા અને તેનામાં ઓક્સીજનની કમી થઈ હતી. તેણે પોલીસને જણાવ્યું હતું કે તે 17 વર્ષનો છે જો કે પોલીસનું માનવું છે કે તે બહુ નાની ઉંમરનો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યુરોપના દેશોમાં ઘૂસવા માટે લોકો જાત જાતના અખતરા અને જોખમી અખતરાઓ પણ કરતા હોય છે. હાલમાં જ થોડા સમય પહેલા બ્રિટનમાં એક બંદરેથી બંધની ટ્રકની અંદરથી સંખ્યાબંધ લોકો મરેલી હાલતમાં મળી આવ્યા હતા. તેઓ પણ ગેરકાયદે રીતે ઘૂસાડવા માટે લાવવામાં આવેલા વિયેટનામીઝ હતા.