અંતિમ નિર્ણાયક વન ડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે પછાડી 2-1થી સીરિઝ જીતી

બેંગલુરૂમાં ત્રીજી નિર્ણાયક વન ડેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે હરાવીને સીરિઝ 2-1થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા બેટિંગ કરીને સ્ટીવ સ્મિથની સદી અને માર્નસ લાબૂશેનની અર્ધસદીની મદદથી 9 વિકેટે 286 રન બનાવ્યા હતા. જેની સામે ભારતીય ટીમે રોહિત શર્માની સદી ઉપરાંત કેપ્ટન વિરાટ કોહલીની 89 રનની ઇનિંગ અને શ્રેયસ ઐય્યરની 44 રનની નોટઆઉટ ઇનિંગની મદદથી 47.3 ઓવરમાં 3 વિકેટના ભોગે 289 રન કરીને મેચ જીતી લીધી હતી.

ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચે ટોસ જીતીને દાવ લેવાનો નિર્ણય કર્યો હતો. જો કે તેમની શરૂઆત સારી રહી નહોતી અને 9મી ઓવર સુધીમાં 46 રનના સ્કોર પર ડેવિડ વોર્નન અને એરોન ફિન્ચ એમ બંને ઓપનરની વિકેટ તેમણે ગુમાવી દીધી હતી. તે પછી સ્ટીવ સ્મિથ અને માર્નસ લાબૂશેને મળીને બાજી સંભાળી હતી અને તેઓ બંને મળીને 127 રનની ભાગીદારી કરીને સ્કોરને 150 પાર લઇ ગયા હતા. લાબૂશેન પોતાની પહેલી વન ડે અર્ધસદી પુરી કરીને આઉટ થયો હતો. જાડેજાના બોલે વિરાટ કોહલીએ એક અફલાતૂન કહી શકાય તેવો કેચ ઝડપીને તેમની ભાગીદારીનો અંત આણ્યો હતો. તે પછી મિચેલ સ્ટાર્ક પણ આઉટ થયો હતો. સ્મિથે એલેક્સ કેરી સાથે મળીને 58 રનની ભાગીદારી કરી હતી. જ્યારે સ્ટીવ સ્મીથ 131 રન કરીને આઉટ થયો હતો. ભારત તરફથી મહંમદ શમીએ 4 જ્યારે રવિન્દ્ર જાડેજાએ 2 તેમજ કુલદીપ યાદવ અને નવદીપ સૈનીએ 1-1 વિકેટ ઉપાડી હતી.

સ્મિથની સદી બેકાર, મેન ઓફ ધ મેચ રોહિત શર્માની સદી સફળ, વિરાટ કોહલી મેન ઓફ ધ સીરિઝ

287 રનના લક્ષ્યાંક સામે શિખર ધવન ઘાયલ હોવાને કારણે ભારતીય ટીમ વતી ઓપનીંગમાં રોહિત શર્મા અને કેએલ રાહુલ ઉતર્યા હતા. આ બંનેએ 69 રનની ભાગીદારી કરી હતી. રાહુલ 19 રન કરીને આઉટ થયો હતો. તે પછી રોહિત અને કોહલીએ મળીને બીજી વિકેટની ભાગીદારીમાં 137 રન ઉમેરીને મેચને એકતરફી બનાવી દીધી હતી. રોહિત શર્માએ પોતાની 29મી વન ડે સદી ફટકારી હતી. તે 119 રન કરીને આઉટ થયો તે પછી કોહલી અને ઐય્યરે મળીને 68 રનની ભાગીદારી કરીને ટીમને જીતની નજીક મુકી દીધી હતી. કોહલી 100મી 50 કે તેના કરતાં વધુની ઇનિંગ રમીને 89 રન કરીને આઉટ થયો હતો. તે પછી બાકીનું કામ ઐય્યર અને મનીષ પાંડેએ જીતની ઔપચારિકતા પૂર્ણ કરી હતી.