“બસ ખતમ કરતે હૈં”: આ ભારતીય બોલરે પોતાની જાતને ગોળી મારવાનું નક્કી કરી લીધું હતું, કારણ જાણી ચોંકી જશો

પૂર્વ ભારતીય ઝડપી બોલરે અંગ્રેજી ન્યૂઝ પેપરને આપેલા ઈન્ટરવ્યુમાં ઘટસ્ફોટ કર્યો છે કે એક તબક્કે પોતાની જાતને ગોળી મારી આપધાત કરવાનું નક્કી કરી લીધું હતું. આ બોલરે આવું વિચાર્યું તેની પાછળના કારણો જાણીને ચોંકી જવાય છે.

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બોલર પ્રવીણ કુમારે સ્વીકાર્યું છે કે તેઓ થોડા મહિના પહેલા હતાશાથી પીડાયા બાદ પોતાનું જીવન સમાપ્ત કરવા માંગતો હતો. લાંબા સમય સુધી પસંદગીકારો દ્વારા નજરઅંદાજ કર્યા બાદ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ પ્રવીણ કુમારે અંધકારમય તબક્કો પસાર કર્યો હતો. આના કારણે તે માનસિક ડિપ્રેશનમાં સરી ગયો હતો અને તેણે માનસિક સંતુલન ગુમાવ્યું હતું.

પ્રવીણ કુમારે સ્વીકાર્યું કે એકલતાના કારણે તે પડી ભાંગ્યો હતો પરંતુ પ્રવીણ કુમાર પરિવારનો આભાર માને છે કે સમગ્ર પરિવારે તેને નૈતિક અને માનસિક પીઠબળ પુરું પાડ્યું હતું અને પોતાના જીવન તથા કરિયરને ફરી પાટા પર લાવવા મદદ કરી હતી.

ભારત વતી છેલ્લી વખત રમવાને પ્રવીણ કુમારને આઠ વર્ષ થઈ ગયા છે. જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ T-20 મેચ રમી હતી. ત્યાર બાદ પ્રવીણ કુમારને આઈપીએલમાંથી પણ પડતો મૂકવામાં આવ્યો હતો. અંગ્રજી ન્યૂઝ પેપરને પ્રવીણ કુમારે કહ્યું કે નવેમ્બર-2019 માં તેનું જીવન એક ટિપિંગ પોઇન્ટ પર આવી ગયું અને મધ્યરાત્રિએ રિવોલ્વર લઇને ઘરથી નીકળ્યો.

ઈન્ટરવ્યુમાં પ્રવીણ કુમાર કહે છે કે મેં મારી જાતને કહ્યું, ‘ક્યા હૈ યે સબ? બસ ખતમ કરતે હૈ’. પ્રવીણે ન્યૂઝ પેપરને કહ્યું કે હરિદ્વાર હાઇવે પર પોતાની કાર હંકારી દીધી અને બાળકોનો ફોટો જોયો અને ત્યારે મને સમજાયું કે હું મારા ફૂલ જેવા બાળકો સાથે આવું નહીં કરી શકીશ. તેમને આ નર્કમાં ધકેલીને નહીં જઈશ અને આવું વિચારતાં-વિચારતાં હું ઘરે પાછો ફર્યો હતો.