2020માં રિલીઝ થશે ધમાકેદાર ફિલ્મો, છવાઈ જવા આવી રહ્યા છે ફિલ્મી સ્ટાર

2020ની શરૂઆત બોલિવૂડ માટે સારા સમાચાર સાથે થઈ છે. તાનાજીએ જોરદાર કમાણી કરી છે અને 150 કરોડનો આંકડો પાર કર્યો છે તો દિપીકા પાદુકોણની છપાકે પણ સારું એવું પ્રદર્શન કર્યું છે. 2020માં બોલિવૂડના નવા ડિરેક્ટરો સાથે કેટલીક નવી ફિલ્મો રિલીઝ થવાની છે. લાલશાહ છબ્બર, કેજીએફ-2, કૂલી નંબર-1(રિમેક), બાગી-3, રાધે, 83( 1983ના વર્લ્ડ કપ પર આધારિત, સૂર્યવંશી, તુફાન જેવી મોટી સ્ટાર કાસ્ટવાળી ફિલ્મોની વચ્ચે આ ફિલ્મો પણ રંગ જમાવશે એવું માનવામાં આવી રહ્યું છે.

ધ કારગિલ ગર્લ

જાહન્વી કપૂર, અંગદ બેદી અને પંકજ ત્રિપાઠીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ ગુંજન સક્સેનાના જીવનથી પ્રેરિત છે, જે પ્રથમ મહિલા છે, જેણે શ્રીવિદ્યા રાજન સાથે 1999ના કારગિલ યુદ્ધમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો. તે પ્રથમ મહિલા કોમ્બેટ પાઇલટ બન્યા હતા, જેમણે યુદ્ધમાં હવાઇ જહાજ ઉડાડ્યું હતું.

લક્ષ્મી બૉમ્બ

અક્ષય કુમાર સ્ટારર આફિલ્મ હૉરર કૉમેડી છે, જે રાઘવની હિટ તમિલ ફિલ્મ ‘કંચન’ની હિન્દી રીમેક છે. તેમાં એવી વાર્તા છે કે એક પુુરુષને બહાર નીકળવાનો બહુ ભય લાગતો હોય છે. તેના આ ડરને દૂર કરવા તે ભયાનક ભૂતિયા સ્થળોએ જવા માંડે છે અને થોડા સમય પછી જ તેનામાં એક આત્મા પ્રવેશી જાય છે જે બદલો લેવા માગતો હોય છે.

લૉર્ડ કર્ઝન કી હવેલી

અંશુમાન ઝા ડાર્ક કૉમેડી ‘લૉર્ડ કર્ઝન કી હવેલી’ સાથે ડિરેક્ટોરિયલ ડેબ્યુ કરી રહ્યા છે. તેમાં બે કપલ અને એક પિઝા ડિલીવરી બૉયની વાર્તા છે અને તે આખી એક ઘરમાં જ શૂટ થશે.

રોમ રોમ મેં

બૉલીવૂડની સારી અભિનેત્રીઓમાંની એક તનિષ્ઠા ચેટરજી ‘રોમ રોમ મેં’ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહી છે. આ મહિલાલક્ષી ફિલ્મમાં ચેટરજી અને નવાઝુદ્દીન સિદ્દિકી ભાઇ-બહેનના રોલમાં છે. તેમાં વાર્તા એવી છે કે એક ભાઇ તેની બહેનની શોધમાં નીકળે છે.

રૂહ અફઝા-કામયાબ

હૉરર કૉમેડી ડ્રામા ‘સ્ત્રી’ સિરિઝની બીજી ફિલ્મ છે. તેમાં રાજકુમાર રાવ અને જાહન્વી કપૂર છે. તેમાં એક એવા પુરુષની વાર્તા છે, જે કપલના હનીમૂનની રાત્રે જ નવવધૂનું શારીરિક શોષણ કરતો.

ઇન્દુ કી જવાની

લેખક-ડિરેક્ટર અબિર દિગ્દર્શિત કૉમેડી ફિલ્મમાં યુવાન છોકરી ઇન્દુની વાર્તા છે, જે ડેટિંગ એપ્સ સાથે પ્રયોગો કરતી રહે છે, જેમાંથી કૉમેડી સર્જાતી રહે છે. કિઆરા અડવાણી ઇન્દુના રોલમાં છે.

જર્સી

શાહિદ કપૂર સ્ટારર આ ફિલ્મમાં એક પ્રતિભાશાળી અને નિષ્ફળ ક્રિકેટરની વાર્તા છે, જે તેના પુત્રને સ્પોર્ટસ ક્ષેત્રમાં લાવવા માટે કમબૅક કરે છે. કપૂર તેમાં ક્રિકેટરનો રોલ કરી રહ્યો છે. ફિલ્મ એ જ નામની તેલુગુ સ્પોર્ટસ ડ્રામાની હિન્દી રીમેક છે.

ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા

1972માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધના સમયની આ વાર્તા છે. તેમાં અનસંગ હીરો આઇએએફ સ્ક્વૉડ્રન લીડર વિજય કાર્ણિકની વાર્તા છે, જે ત્યારે ભુજ એરપોર્ટ પર ચાર્જમાં હતા. તે યુદ્ધમાં તેમણે કેવી રીતે મહત્ત્વની કામગીરી કરી હતી તેની વાત છે. અજય દેવગણ અને સંજય દત્ત ફિલ્મમાં મહત્ત્વનો ભાગ ભજવે છે.

ટ્યુસડેઝ એન્ડ ફ્રાઇડેઝ

આ રોમેન્ટિક કૉમેડીમાં અભિનેત્રી પૂનમ ધિલ્લોનનો પુત્ર અનમોલ ઠાકરિયા લૉન્ચ થઇ રહ્યો છે. અને ઝટાલેખા મલ્હોત્રા (મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ 2014ની વિજેતા) છે. ફિલ્મનું નિર્માણ સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે. આ એક રોમેન્ટિક કૉમેડી છે.

શુભ મંગલ જ્યાદા સાવધાન

‘શુભ મંગલ સાવધાન’ જેવી હિટ ફિલ્મ લખનાર લેખક હિતેશ કેવલ્ય હવેદિગ્દર્શકની ખુરશી પર બેસશે. ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’ સીક્વલ ફિલ્મ છે અને તેમાં આયુષમાન ખુરાના મુખ્ય ભૂમિકામાં છે. તેનો વિષય જુદો છે અને હોમોસેક્સ્યુઆલિટી અંગે સામાજિક નિષેધની વાર્તા છે. ગે કપલ્સને તેમના કુટુંબો અને મિત્રો કેવી રીતે સમાજની બહાર કાઢી મૂકે છે તેની વાત છે. આ રોમેન્ટિક કૉમેડી છે.

રામપ્રસાદ કી તેહરવી

સીમા પાહવાની આ ડિરેક્ટોરલ ડેબ્યુ ફિલ્મ કૌટુંબિક ડ્રામા છે, જેમાં રામપ્રસાદ ભાર્ગવની વાર્તા છે, જેમનું એકએક મૃત્યુ થવાથી તેમના કુટુંબને ફરી તેમના જૂના બંગલામાં આવવાની ફરજ પડે છે. તેમના છ બાળકો તેમના પિતાના અંતિમ સંસ્કાર માટે આવે છે, પણ તેમની વચ્ચેના મતભેદ સમાપ્ત થતા નથી. તેમણે લીધેલા વચન પ્રમાણે તેઓ તેમના પિતાનું દેવું ચૂકવે છે.

ભૂત-ભાગ વન: ધ હૉન્ટેડ શિપ

આ હૉરર થ્રિલર ફિલ્મ મુંબઈમાં બનેલી એક સાચી ઘટના પર આધારિત છે, જ્યાં એક રહસ્યમય જહાજ જુહુ બીચ પર દેખાયું હતું. તેમાં એક કપલની વાર્તા છે, જેઓ બીચ પર આવેલા જહાજમાં હતા. વિકી કૌશલ અને ભૂમિ પેડણેકર મુખ્ય ભૂમિકામાં છે.