કાળમુખી ટ્રકની અડફેટે કારના ફૂરચેફૂરચા ઉડી ગયા, સોમનાથ દર્શને જઈ રહેલા અમદાવાદી પરિવારના પાંચનાં મોત

લીંબડી-અમદાવાદ હાઈવે પર અવારનવાર અક્સ્માતો સર્જાતા રહે છે. આવી જ એક ઘટના બની છે. સુરેન્દ્રનગરના દેવપુરા ગામ પાસે કાર સાથે ટ્રકની ટક્કર થઈ હતી. જેમાં કારનાં માત્ર ફૂરચેપૂરચા જ નહીં ઉડી ગયા પણ તેમાં બેઠેલા એક જ પરિવારના પાંચ લોકોના મોત થયા છે. જ્યારે અન્ય ચાર લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર,અમદાવાદનો પરિવાર સોમનાથ મંદિરનાં દર્શન કરવા કારમાં જઇ રહ્યો હતો. ત્યારે જ તેમની કાર દેવપરા નજીક આવી રહેલી ટ્રક સાથે જોરદાર ટકરાઈ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે તેનો અવાજ સાંભળીને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા. જોકે, કોઈ મદદ મળે તે પહેલાં કારમાં સવાર પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતાં.

અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ત્યાં પહોંચી ગઈ હતી. અને ચાર લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમજ મૃતકોને પોસ્ટ મોર્ટમ માટે મોકલી તેમના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, રાજકોટ-ગાંધીનગર હાઇવેને 6 લેન બનાવવાની કામગીરી ચાલી રહી છે. અને વિવિધ સ્થળોએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. પરંતુ કાર ચાલકોના ડ્રાઇવરો ઝડપ ઓછી ન કરવાને કારણે અકસ્માતનું પ્રમાણ વધ્યું છે.