મુંબઈ નાઈટ લાઈફ: આદિત્ય ઠાકરેએ કહ્યું કે અમદાવાદની જેમ મુંબઈ પણ રાત્રે ખુલ્લું રહેશે પણ છે આ શરતો

શિવસેનાનાં યુવાનેતા અને મહારાષ્ટ્રના ટૂરિઝમ મંત્રી આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે મુંબઈના બિનરહેવાસી વિસ્તારોમાં શૉપ્સ, રેસ્ટોરાં અને મોલ્સ ચોવીસે કલાક ખુલ્લાં રાખવામાં આવશે. જોકે આ ફરજિયાત નથી અને આ નિર્ણય પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકવામાં આવશે.

26મી જાન્યુઆરીથી અમલમાં મૂકવામાં આવનારા આ નિર્ણય અંગે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે લંડન અથવા મધ્ય પ્રદેશના ઈન્દોરમાં આવી છૂટ છે ત્યારે મુંબઈ પાછળ ન પડવું જોઈએ કારણ કે આ શહેર 24 કલાક કામ કરતું હોય છે. ઑનલાઈન શૉપિંગ 24 કલાક થઈ શકે છે, તો પછી વ્યાવસાયિક એકમો ખુલ્લા રહે તે ખોટું નથી અને તેમની માટે ખુલ્લાં રાખવા ફરજિયાત નથી. આદિત્યએ આ માગ 2013માં પણ કરી હતી અને પાલિકાએ સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, પરંતુ તે બાદ નિર્ણય શહેરી વિકાસ વિભાગ દ્વારા વિલંબમાં મૂકવામાં આવ્યો હતો. એક સમયે ગૃહ ખાતું આ માટે તૈયાર ન હતું, કારણ કે કાયદો અને વ્યવસ્થા બહુ મોટો પડકાર બની રહે છે.

તેમણે સ્પષ્ટતા કરી હતી કે એક્સાઈઝના નિયમો મામલે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. પોતાના આ નિર્ણયને યોગ્ય ઠરાવતા તેમણે જણાવ્યું હતું કે લંડનમાં નાઈટ લાઈફ ઈકોનોમી પાંચ અબજ પાઉન્ડની છે. ઈન્દોરની શરાફા માર્કેટ પણ રાત્રે ખુલ્લી રહે છે અને અમદાવાદ શહેરે પણ પોતાની નીતિઓમાં ફેરફાર કર્યો છે. તો પછી મુંબઈમાં આમ કરવા સામે કોઈ વાંધો હોવો જોઈએ નહીં. માત્ર બિનરહેવાસી વિસ્તારોમાં ખાવા-પીવાની છૂટ આપવામાં આવી છે. આ અંગે પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું કે દરેક વૉર્ડમાં રેસ્ટોરાં કે શૉપ્સ ખુલ્લી રાખવા માટે વૉર્ડ ઑફિસરની પરવાનગી લેવી પડશે અને કાયદો અને વ્યવસ્થાની જવાબદારી પોલીસ વિભાગ સહિત પાલિકાની પણ રહેશે.

વિરોધપક્ષ ભાજપે આ નિર્ણય અંગે વાત કરતા જણાવ્યું હતું કે રહેવાસીઓને તકલીફ પડે તેની ઘટનાઓ બનશે તો ભાજપ તેનો વિરોધ કરશે.