FIH પ્રો લીગમાં નેધરલેન્ડ સામે ભુવનેશ્વરમાં પહેલી મેચથીઓલિમ્પિક્સની તૈયારી શરૂ કરશે ભારતીય હોકી ટીમ

ભારતીય હોકી ટીમ વિશ્વની ત્રીજી ક્રમાંકિત નેધરલેન્ડની ટીમ સામે શનિવારે રમાનારી એફઆઇએચ પ્રો લીગની મેચ દ્વારા ટોક્યો ઓલિમ્પિક્સ માટેની પોતાની તૈયારી શરૂ કરશે. ભારતીય ટીમ આ પહેલાની પ્રો લીગમાં રમી નહોતી. આ વખતે તેના અભિયાનની શરૂઆત 2019ની પ્રો લીગ અને યુરોપિયન ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડલિસ્ટ નેધરલેન્ડની સાથે થશે. પહેલી મેચ શનિવારે અને બીજી મેચ રવિવારે અહીંના કલિંગા સ્ટેડિયમમાં રમાશે.

વિશ્વની ટોચની ટીમો વચ્ચે પોતાના ઘરઆંગણે અને વિદેશમાં એ આધારે રમાતી આ ટુર્નામેન્ટથી ભારતની ઓલિમ્પિક્સની તૈયારી મજબૂત બનશે એવું માનવામાં આવી રહ્યું છે. નેધરલેન્ડ પછી ભારતીય હોકી ટીમે 8 અને 9 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ ચેમ્પિયન બેલ્જિયમ સામે રમવાનું છે. તે પછી 22-23 ફેબ્રુઆરીએ ઓસ્ટ્રેલિયા સામે રમશે, ભારતીય ટીમ તે પછી 25-26 એપ્રિલે જર્મની અને 2-3 મેના રોજ બ્રિટનમાં રમશે.

ત્યાંથી સ્વદેશ પરત ફરીને 23-24 મેના રોજ ન્યૂઝીલેન્ડ સામે રમવાનું છે અને તે પછી 5-6 જૂનના રોજ આર્જેન્ટીનામાં રમવાનું છે. મનપ્રીત સિંહની આગેવાની હેઠળની ટીમ પ્રો લીગ રાઉન્ડ રોબિન તબક્કાની અંતિમ મેચ 13-14 જૂને સ્પેન સામે રમશે. ભારતના મુખ્ય કોચ ગ્રેહામ રીડને આ ટુર્નામેન્ટથી મળનારા પડકારની જાણ જ છે. નેધરલેન્ડની ટીમના માજી કોચ રહી ચુકેલા રીડને ખબર જ છે કે તેની સામે કેવું પ્રદર્શન કરવું પડશે.