બીજી વન ડેમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવી બદલો વાળ્યો

ભારતીય ટીમે અહીં રમાયેલી બીજી વન ડેમાં શિખર ધવન, કેએલ રાહુલ અને વિરાટ કોહલીની જોરદાર ઇનિંગ પછી બોલરોના ઉપયોગી પ્રદર્શનને કારણે ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવીને મુંબઇમાં મળેલા પરાજયનું સાટુ વાળીને 3 મેચની સીરિઝ હાલ 1-1ની બરોબરી પર મુકી દીધી છે. હવે બંને ટીમ વચ્ચે સીરિઝની ત્રીજી નિર્ણાયક મેચ 19 જાન્યુઆરીએ બેંગલુરૂમાં રમાશે.

ભારતીય ટીમે પ્રથમ દાવ લઇને નિર્ધારિત 50 ઓવરમાં 6 વિકેટે 240 રન બનાવ્યા હતા અને તેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે 20 રનના સ્કોર પર જ ડેવિડ વોર્નરની વિકેટ ગુમાવી હતી અને તેના કારણે તેમને જોઇએ તેવી શરૂઆત મળી નહોતી. આરોન ફિન્ચે સ્ટીવ સ્મિથ સાથે મળીને 62 રનની ભાગીદારી કરી પણ તે 33 રન કરીને આઉટ થયો હતો. અહીંથી સ્મિથ અને માર્નસ લાબુશેને મળીને 96 રનની ભાગીદારી કરી ભારતની મુશ્કેલી વધારી હતી, જો કે કુલદીપે આ બંનેને એક જ ઓવરમાં આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની જીતવાની આશા પર પાણી રેડ્યું હતું અને તે પછી મહંમદ શમી અને નવદીપ સૈનીએ એક ઓવરમાં 2-2 તેમજ બુમરાહે 1 વિકેટ ઉપાડતા 49.1 ઓવરમાં 304 રનમાં ઓલઆઉટ થઇ હતી. જાડેજાએ પણ 2 વિકેટ ઉપાડી હતી.

આ પહેલા ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાને રોહિત શર્મા અને ધવને 81 રનની ભાગીદારી કરીને સારી શરૂઆત અપાવી હતી. જો કે રોહિત 42 રન કરીને આઉટ થયો હતો. અહીંથી કોહલી અને ધવને બીજી વિકેટની ભાગીદારીમાં 103 રન ઉમેર્યા હતા. ધવન 90 બોલમાં 96 રન કરીને આઉટ થયો હતો. તે પછી કોહલી અને રાહુલે 10.3 ઓવરમાં 78 રનની ભાગીદારી કરી હતી. કોહલી 76 બોલમાં 78 રન કરીને આઉટ થયો હતો. જ્યારે રાહુલ 52 બોલમાં 80 રન કરીને આઉટ થયો હતો. જાડેજાએ પણ 16 બોલમાં 20 રન કર્યા હતા.