ટેસ્ટમાં સતત 21 ઓવર મેઇડન નાખારા માજી ઓલરાઉન્ડર બાપુ નાડકર્ણીનું નિધન

ભારતીય ક્રિકેટ ટીમના માજી ઓલરાઉન્ડર બાપુ નાડકર્ણીનું 86 વર્ષની વયે શુક્રવારે અહીં નિધન થયાનું પારિવારિક સૂત્રોએ જણાવ્યું હતું. બાપુ નાડકર્ણી ટેસ્ટમાં સતત 21 ઓવર મેઇડન નાખવાને કારણે જાણીતા થયા હતા. તેમના જમાઇ વિજય ખરેએ કહ્યું હતું કે વૃદ્ધાવસ્થા સંબંધી સમસ્યાને કારણે તેમનું નિધન થયું હતું. ડાબોડી બેટ્સમેન અને સ્લો લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર એવા નાડકર્ણીએ 41 ટેસ્ટ રમી હતી જેમાં તેમણે 1414 રન કર્યા હતા અને 88 વિકેટ ઉપાડી હતી, તેમનું સર્વોચ્ચ પ્રદર્શન 6/43 રહ્યું હતુ. મુંબઇ વતી તેમણે 191 ફર્સ્ટક્લાસ મેચ રમી હતી અને તેમાં 500 વિકેટ ઉપાડવાની સાથે તેમણે 8880 રન પણ કર્યા હતા. નાસિકમાં જન્મેલા નાડકર્ણીએ 1955માં ન્યુઝીલેન્ડ સામે દિલ્હી ટેસ્ટથી ટેસ્ટ પદાર્પણ કર્યું હતું અને તેમણે પોતાની છેલ્લી ટેસ્ટ પણ ન્યૂઝીલેન્ડની સામે જ ઓકલેન્ડમાં 1968માં મન્સૂર અલીખાન પટૌડીની આગેવાનીમાં રમી હતી. તેમણે મદ્રાસમાં રમાયેલી એક ટેસ્ટમાં સતત 21 ઓવર મેઇડન નાંખી હતી અને તે સમયે તેમનું બોલિંગ પ્રદર્શન 32-27-5-0 રહ્યું હતું.