સાઈ જન્મભૂમિ અંગે ઉદ્વવ ઠાકરેની જાહેરાતને લઈ વિવાદ, શિરડી બંધનું એલાન

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે દ્વારા સાઇ જન્મભૂમિ એવા પાથરી શહેર માટે વિકાસ ફંડની જાહેરાત કરાયા બાદ શિરડીના લોકો રોષે ભરાયા છે. મુખ્યમંત્રીના આ નિર્ણય સામે શિરડી બંધનું એલાન આપવામાં આવ્યું છે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે સાઇ બાબાએ ક્યારેય તેમના જન્મ અને ધર્મનો ઉલ્લેખ કર્યો નથી.સાઇ ચરિત્રમાં પણ તેમના જન્મ સ્થાન વિશે કંઇ લખાયું નથી.

નવમી જાન્યુઆરીએ ઉદ્ધવ ઠાકરેએ ઔરંગાબાદના સાઇબાબાના કથિત જન્મસ્થળ પાથરી શહેર માટે 100 કરોડના વિકાસ ફંડની જાહેરાત કરી હતી. શિરડીના લોકો મુખ્યમંત્રીના આ નિર્ણયનો વિરોધ કરી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો સરકાર પાથરી અંગેનો નિર્ણય પાછો નહીં ખેંચે તો તેઓ કોર્ટમાં જશે.

સાઈ મંદિરના પૂર્વ ટ્રસ્ટી અશોક ખાંબેકરે કહ્યું કે સાઇબાબાએ ક્યારેય તેમના જન્મ, ધર્મ ધર્મ વિશે જણાવ્યું ન હતું. બાબા તો સર્વ ધર્મનું પ્રતીક છે. તેમણે કહ્યું કે ઉદ્ધવ ઠાકરેને ખોટી માહિતી આપવામાં આવી છે. ખાંબેકર કહે છે કે મુખ્યમંત્રીએ સૌ પ્રથમ સાઈ સત ચરિત્રનો અભ્યાસ કરવો જોઈએ અને તેમણે પાથરી અંગેનો પાછો લેવો જોઈએ.

અશોક ખાંબેકરે વધુમાં કહ્યું કે આ અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ સાઈબાબાના જન્મસ્થળ વિશે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. પહેલી ઓક્ટોબર 2018માં રાષ્ટ્રપતિ કોવિંદ સાઇ બાબા સમાધિ શતાબ્દી ઉજવણીનું ઉદ્વઘાટન કરવા માટે આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે પાથરી ગામ સાઇબાબાનું જન્મસ્થળ છે અને હું તેના વિકાસ માટે કામ કરીશ. રાષ્ટ્રપતિના આ નિવેદનનો પણ તે સમયે વિરોધ કરવામાં આવ્યો હતો.

બીજી તરફ શિરડીના આગેવાન કમલાકર કોતે કહે છે કે કેટલાક લોકો માને છે કે પાથરી બાબાનું જન્મસ્થળ છે પરંતુ તે અંગે ક્યાંય લખાયેલું નથી. બાબાના જન્મસ્થળ સાઇ ચરિત્રમાં પણ માતાપિતા કે ગુરુનો ધર્મ લખ્યો નથી અને આ બધી બાબતો ફક્ત તર્કના આધારે કરવામાં આવી રહી છે. અહીંના લોકો માનતા નથી કે બાબાનું કોઈ જન્મસ્થળ છે. લોકો કહે છે કે તેઓ મુખ્યમંત્રીના નિર્ણય સામે કોર્ટ પણ જઈ શકે છે.