સાનિયા મિર્ઝા હોબાર્ટ ઇન્ટરનેશનલ મહિલા ડબલ્સની ફાઇનલમાં

ભારતીય ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ હોબાર્ટ ઇન્ટરનેશનલ મહિલા ડબલ્સ ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. યુક્રેનની નાદિયા કિચેનોક સાથે જોડી બનાવીને સાનિયા પોતાની મેટરલિટી લિવ પછી પહેલીવાર કોઇ ટૂર્નામેન્ટ રમી રહી છે. સાનિયા અને નાદિયાની જોડીએ સેમી ફાઇનલમાં સ્લોવેનિયાની જમારા જિદાંસેક અને ચેક પ્રજાસત્તાકની મારી બૂજકોવાની જોડીને 7-6, 6-2થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. હવે સાનિયા અને નાદિયાની જોડી ફાઇનલમાં ચીનની જોડી ઝાગ શુઆઇ અને પેંગ શુઆઇ સામે બાથ ભીડશે.

આ પહેલા સાનિયા-નાદિયાની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાં અમેરિકાની વાનિયા કિંગ અને ક્રિસ્ટીના મેકહેલને એક કલાક અને 24 મિનીટ સુધી ચાલેલી મેચમાં 6-2, 4-6, 10-4થી હરાવી હતી. એક સમયે સ્કોર 1-1ની બરોબરી પર હતો અને તે પછી અંતિમ સેટમાં સાનિયા-નાદિયાની જોડીએ મેદાન માર્યું હતું. સાનિયા ડબલ્યુટીએ સર્કિટ પર બે વર્ષના લાંબા ગાળા પછી પાછી ફરી છે. હાલની આ ટૂર્નામેન્ટ પહેલા સાનિયાએ છેલ્લે ઓક્ટોબર 2017ની ચીન ઓપન ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.