રાજકોટ વન ડે : વિજય માર્ગ પર પરત ફરવા માટે કેપ્ટન કોહલી ફરી નંબર 3 પર જ બેટિંગ કરવા ઉતરશે

પહેલી વન ડેમાં નીચલા ક્રમે બેટિંગમા ઉતરવાનો નિર્ણય ખોટો સાબિત થયા પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની અહીં જીતવા માટે જરૂરી એવી બીજી વન ડેમાં પોતાના નિયમિત ક્રમે બેટિંગમાં ઉતરશે અને ભારતીય ટીમ રાજકોટના મેદાન પર વળતો પ્રહાર કરવાનો ઇરાદો ધરાવે છે. મુંબઇમાં રમાયેલી પહેલી મેચમાં 10 વિકેટે પરાજય મળ્યા પછી ટીમ ઇન્ડિયા રાજકોટમાં બદલો વાળવાની વેતરણમાં છે.

રોહિત શર્મા, કેએલ રાહુલ અને શિખર ધવન એમ ફોર્મમાં ચાલી રહેલા ત્રણેય ઓપનરને ટીમમાં સ્થાન આપવા માટે કોહલીએ ચોથા ક્રમે બેટિંગમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો જે ટીમ માટે બુમરેંગ પુરવાર થયો હતો. ઓપનર શિખર ધવને કહી દીધું છે કે ટીમ મેનેજમેન્ટ કહે તે ક્રમે બેટિંગ કરવા તે તૈયાર છે પણ કોહલીએ ત્રીજા ક્રમે જ ઉતરવું જોઇએ. પહેલી મેચની જેમ જ રોહિત-શિખર દાવની શરૂઆત કરશે. કોહલી ત્રીજા ક્રમે અને તે પછી રાહુલ કે ઐય્યરમાંથી એક ચોથા ક્રમે આવી શકે છે.

પંતની ગેરહાજરીમાં કેએલ રાહુલ વિકેટકીપીંગની જવાબદારી સંભાળશે

ઋષભ પંત બહાર હોવાથી કેએલ રાહુલ વિકેટકીપીંગની જવાબદારી સંભાળશે. ટીમમાંથી પંતની ગેરહાજરીને કારણે કર્ણાટકના મનિષ પાંડેને તક મળી શકે છે. ત્યારે એ જોવાનું રહે છે કે અનુભવી કેદાર જાદવ અને શિવમ દુબેમાંથી કોને તક મળશે. રાજકોટમાં લોકલ બોય રવિન્દ્ર જાડેજાનું રમવું નક્કી છે. તેથી કુલદીપ અથવા ચહલમાંથી એકને જ સ્થાન મળશે, હવે જોવાનું એ રહે છે કે શાર્દુલ અને નવદીપમાંથી કોને તક મળશે.

એરોન ફિન્ચ બોલ્યો : ટીમ ઇન્ડિયા વળતો પ્રહાર કરી શકે

ઓસ્ટ્રેલિયન કેપ્ટન એરોન ફિન્ચને એ વાતે કોઇ શંકા નથી કે પહેલી વન ડેમાં ખરાબ રીતે હારેલી ટીમ ઇન્ડિયા શુક્રવારે બીજી મેચમાં વાપસી કરશે. પહેલી વન ડે 10 વિકેટે જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટને કહ્યું હતું કે વર્લ્ડ ક્લાસ ખેલાડીઓ ધરાવતી ભારતીય ટીમને હળવાશમાં લેવી એ ભુલ ગણાશે. તેણે ક્રિકેટ.કોમ.એયૂ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પહેલી મેચમાં અમારું પ્રદર્શન સારું રહ્યું, ફિલ્ડીંગ થોડી ખરાબ હતી પણ અમે ટીમના પ્રદર્શનથી ખુશ છીએ. તેણે કહ્યું હતું કે એ વાતમાં કોઇ શંકા નથી કે ભારત વાપસી કરશે અને પહેલી વન ડેમાં છોભીલી પડેલી ટીમ ઇન્ડિયા વળતો પ્રહાર કરી શકે છે.

ટીમ ઇન્ડિયા માટે રાજકોટનું મેદાન રહ્યું છે અનલકી

ભારતીય ટીમ માટે અહીંનુ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ અત્યાર સુધી તો અનલકી જ રહ્યું છે. આ મેદાન પર ભારતીય ટીમે બે વન ડે રમી છે અને એ બંનેમાં તેનો પરાજય થયો છે. આ મેદાન પર ભારતીય ટીમે પહેલી વન ડે 11 જાન્યુઆરી 2013ના રોડ ઇંગ્લેન્ડ સામે રમી હતી અને તેમાં તેમનો 9 રને પરાજય થયો હતો. તે પછી 18 ઓક્ટોબર 2015ના રોજ દક્ષિણ આફ્રિકા સામે આ જ મેદાન પર રમાયેલી વન ડેમાં ભારતીય ટીમનો 18 રને પરાજય થયો હતો. ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમે અહીં એક ટી-20 મેચ રમી છે જેમાં ભારતીય ટીમ જીતી હતી. જો કે વન ડેમાં ભારતીય ટીમનો રેકોર્ડ ખરાબ રહ્યો છે.