નિર્ભયાના ગુનેગારોની ફાંસીની નવી તારીખ જાહેર, હવે પહેલી ફેબ્રુઆરીએ ફાંસી પર લટકાવી દેવાશે

નિર્ભયા ગેંગરેપ કેસમાં ચારેય દોષિતોનું નવું ડેથ વોરંટ કોર્ટ દ્વારા જારી કરાયું છે. ચારેય દોષિતોને હવે પહેલી ફેબ્રુઆરીએ સવારે 6 વાગ્યે ફાંસી આપવામાં આવશે. આ અગાઉ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આ કેસમાં મુકેશની દયાની અરજી નામંજૂર કરી હતી. તમને જણાવી દઈએ કે પટીયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતોને ફાંસી આપવાની તારીખ 22 જાન્યુઆરીએ સવારે 7 વાગ્યે નક્કી કરી હતી. પરંતુ આ પછી દોષી મુકેશ સિંહ કોર્ટમાં પહોંચ્યો.

આ કેસમાં નવું ડેથ વોરંટ ઇશ્યૂ થયા બાદ નિર્ભયાની માતા આશા દેવીએ કહ્યું કે જ્યાં સુધી ગુનેગારોને ફાંસી આપવામાં નહીં આવે ત્યાં સુધી મારી પુત્રીને ન્યાય નહીં મળે. મને છેલ્લા સાત વર્ષથી તારીખ આપવામાં આવી છે. તેમણે કહ્યું કે નિર્ભયાના દોષીઓ માટે જ  માનવાધિકાર જોવામાં આવી રહ્યો છે. કોઈ અમારો માનવાધિકાર જોઈ રહ્યો નથી.

શુક્રવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયાના દોષી મુકેશની દયા અરજી નામંજૂર કરી હતી. ગુરુવારે રાત્રે ગૃહ મંત્રાલયે રાષ્ટ્રપતિ કોવિંદને દયાની અરજીની ફાઇલ મોકલીને તેને ફગાવી દેવાની ભલામણ કરી હતી. કોર્ટે નિર્ભયાના ચારેય દોષીઓને ફાંસીની સજા સંભળાવી છે.

તમને જણાવી દઈએ કે 16 ડિસેમ્બર 2012 ના રોજ નિર્ભયા ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાંખ્યો હતો. 23 વર્ષીય નિર્ભયા પર ચાલતી બસમાં સામુહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને તેને ક્રુર રીતે માર મારવામાં આવ્યો હતો. નિર્ભયાનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું. આ પછી દિલ્હી પોલીસે આ કેસમાં 6 લોકોની ધરપકડ કરી હતી, જેમાંથી એક સગીર હતો. સગીરને જૂવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યારે રામસિંહે તિહાર જેલમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ સિવાય બાકીના 4 દોષીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી છે.