નિર્ભયા કેસ: બંધ થયો ફાંસીથી બચવાનો આખરી રસ્તો, મુકેશની દયા અરજી ફગાવતા રાષ્ટ્રપતિ

નિર્ભયા રેપ અને હત્યા કેસમાં દોષી મુકેશની દયા અરજીને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ફગાવી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ રાષ્ટ્રપતિએ દોષી મુકેશની ફાંસની સજાને યથાવત રાખવાની ભલામણ કરી છે. ગુહમંત્રાલયે દયાની અરજી રાષ્ટ્રપતિને મોકલી હતી. આજે પટીયાલા હાઉસ કોર્ટમાં ડેથ વોરંટ પર સુનાવણી પણ હાથ ધરવામાં આવનાર છે.

સાતમી જાન્યુઆરીએ દિલ્હીની કોર્ટે નિર્ભયા મામલે ચારેય દોષીઓ અક્ષય, મુકેશ, વિનય અને પવનને કોર્ટે ફાંસીની સજા સંભળાવી છે. સજા બાદ કોર્ટે ચારેય દોષીઓના ડેથ વોરંટ ઈશ્યુ કરી દીધા છે અને 22મી જાન્યુઆરીએ ફાંસી આપવાનો ચૂકાદો જાહેર કર્યો છે.

બીજી તરફ ફાંસીથી બચવા માટે દોષી મુકેશે રાષ્ટ્રપતિ સમક્ષ દયાની અરજી કરી હતી અને ફાંસીની સજા માફ કરવા અરજ કરી હતી પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા મુકેશની અરજી ફગાવી દેવામાં આવતા હવે તેના માટે ફાંસીથી બચવાનો આખરી રસ્તો બંધ થઈ ગયો છે.