કાશ્મીર-હિમાચલમાં ફરી બરફવર્ષાને પગલે ઉત્તર ભારતમાં ઠંડી યથાવત

ઉત્તર ભારતમાં ગુરૂવારે પણ ઠંડીનું જોર યથાવત રહ્યું હતું અને લોકોએ કાતિલ ઠંડા પવનોનો સામનો કરવો પડ્યો હતો. લેહ લડાખ સહિતના વિસ્તારોમાં હિમવર્ષા થઇ હતી તો દેશની રાજધાની દિલ્હીમાં પણ વરસાદ પડતા તાપમાનનો પારો નીચે ગયો હતો.

ગુરૂવારે દિલ્હીમાં સરેરાશ 4 મિમી વરસાદ નોંધાયો હતો. લોધીરોડ પર 6.4 મિમી, આયાનગર પર 2.8 મિમી અને પાલમ ખાતે 1.7 મિમી વરસાદ નોંધાતા મહત્તમ તાપમાન 16. 4 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતા 3 ડિગ્રી નીચું હતું. દિલ્હીમાં એર ઇન્ડેક્સ ક્વૉલિટી બુધવારે સાંજે 218 હતી જે વધીને ગુરૂવારે 281 થઇ ગઇ હતી.

અધિકારીઓએ જણાવ્યું હતું કે, શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ગાઢ ધુમ્મસની શક્યતા છે અને તાપમાન 8 ડિગ્રી થી 17 ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે. કાશ્મીરના મોટાભાગના વિસ્તારોમાં બુધરારે રાત્રિ દરમિયાન હિમવર્ષા થઇ હતી. શ્રીનગર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બરફ જમા થઇ જતા અને ઓછી વિઝિબિલિટીના કારણે ગુરૂવારે 15 ફ્લાઇ્ટસ રદ કરવામાં આવી હતી. 12 અને 13 જાન્યુઆરીએ તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી જયારે 14મી થોડી ફ્લાઇટ્સ જ ઓપરેટ થઇ શકી હતી પરંતુ બુધવારે બરફ વર્ષાના કારણે એક પણ ફ્લાઇટ ઓપરેટ કરી શકાય ન હતી.

હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બુધવારે રાત્રિ દરમિયાન જમ્મુ કાશ્મીર અને લડાખમાં ભારે હિમવર્ષા થઇ હતી. આગામી 24 કલાકમાં પણ ભારે બરફ વર્ષાની સંભાવના છે. ત્યાર પછી ઠંડીમાં થોડી રાહત મળશે પરંતુ 21 થી 24 જાન્યુઆરી દરમિયાન ઠંડીનો બીજો તબક્કો શરૂ થશે.

પંજાબમાં અમૃતસર 3.4 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું જ્યારે હરિયાણાનું અંબાલા 6.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ઉત્તર પ્રદેશના લખનૌ, કાનપુર, બારાબંકી, ઉન્નાવ, ઇટાવા, ઝાંસી, બિજનૌર અને મૈનપુરી જેવા શહેરોમાં વરસાદ પડ્યો હતો. શનિવારે પર રાજ્યમાં વરસાદ થવાની સંભાવના હોવાથી તેમજ હાલની ઠંડીની સ્થિતિને ધ્યાનમાં રાખીને લખનૌમાં પૂર્વ પ્રાથમિકથી આઠમા ધોરણ સુધીના વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી છે.