ટીમ ઇન્ડિયાના સુપર ફેન ચારુલતા પટેલનું નિધન : બીસીસીઆઇએ દુઃખ વ્યક્ત કર્યું

ભારતીય ક્રિકેટ ટીમની સુપર ફેન ચારુલતા પટેલનું 87 વર્ષની વયે નિધન થયું હતું. ચારુલતા ઇંગ્લેન્ડમાં ગત વર્ષે વર્લ્ડકપ દરમિયાન ભારતીય ટીમની એક મેચ જોવા પહોંચ્યા હતા, ત્યારથી તેઓ લાઇમ લાઇટમાં આવ્યા હતા. ચારુલતા પટેલના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી હતી.

ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખાયું છે કે ભારે હૃદયે તમને માહિતી આપું છું કે આપણી પ્રેમાળ દાદીએ 13 જાન્યુઆરીની સાંજે 5.30 વાગ્યે પોતાના અંતિમ શ્વાસ લીધા છે. તેઓ ખુબ જ પ્રેમાળ મહિલા હતા. એ પણ સાચું છે કે સારી વસ્તુઓ ટુંકા ગાળા માટે જ આવે છે. તેઓ ખરેખર અસાધારણ હતા અને હકીકતમાં અમારી દુનિયા હતી.

ચારુલતાનો એક ફોટો ઘણો વાયરલ થયો હતો, જેમાં તેઓ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની સાથે દેખાયા હતા. મોટી વય હોવા છતાં ચારુલતાએ સ્ટેડિયમમાં બેસીને મેચ જોઇ હતી અને તેના કારણે તેઓ ક્રિકેટ ચાહકો ઉપરાંત ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ વચ્ચેં ઘણાં પ્રસિદ્ધ થયા હતા. તેમના ઉત્સાહથી માત્ર અન્ય ક્રિકેટ ચાહકો જ નહીં પણ ભારતીય ટીમના કેપ્ટન કોહલી અને વાઇસ કેપ્ટન રોહિત શર્માં પણ દંગ રહી ગયા હતા.

ભારતીય ક્રિકેટ ક્ન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ગુરૂવારે સુપર દાદીનો વિરાટ સાથેનો ફોટો શેર કરીને લખ્યું હતું કે ટીમ ઇન્ડિયાના સુપર ફેન ચારુલતા પટેલ હંમેશા અમારા હૃદયમાં રહેશે, રમત પ્રત્યેનું તેમનું ઝનૂન અમને સતત પ્રોત્સાહિત કરશે, તેમની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના.