અમેરિકા-ચીનની ટ્રેડ ડિલને પગલે સેન્સેક્સ ઓલ ટાઇમ હાઇ 42,000 પાર પહોંચ્યો

શેરબજારના કામકાજમાં ગુરૂવારે તેજીનો માહોલ જોવાયો હતો. અમેરિકા અને ચીનની વચ્ચે ટ્રેડ ડિલના પહેલા તબક્કા પર હસ્તાક્ષર થયાં પછી અમેરિકન બજાર તેજી સાથે બંધ થયા હતા અને તેની સીધી અસર ભારતીય શેરબજાર પર પણ જોવા મળી રહી છે. ગુરૂવારે કામકાજની શરૂઆત ઉછાળા સાથે થઇ અને શરૂઆતના કામકાજમાં જ બીએસઇનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 42000ના લેવલને પાર કરીને ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયો હતો. જો કે થોડી જ વારમાં ઓલ ટાઇમ હાઇથી થોડો નીચે આવી ગયો હતો. સવારે 9 વાગીને 40 મિનીટના સમયે સેન્સેક્સ 42,035 ના લેવલે જોવાયો હતો.

સેન્સેક્સ સવારે 52.01 પોઇન્ટના ઉછાળા સાથે 41,924.74 પર ખુલ્યો હતો. તો એનએસઇ નિફ્ટી 3.8ની નજીવી સરસાઇ સાથે 12,347.10ના લેવલે ખુલ્યો હતો. સવારે 89.45 કલાકે સેન્સેક્સ 134 પોઇન્ટની સરસાઇ સાથે 42,006.73 પોઇન્ટના સ્તરે જોવાયો હતો અને તે સમયે નિફ્ટી 12,378.00ના સ્તરે હતો. શરૂઆતના અડધા કલાકના કામકાજમાં જ સેન્સેક્સના જે શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી તેમાં હિન્દુસ્તાન યૂનિલિવર, નેસ્લે ઇન્ડિયા, કોટક મહિન્દ્રા બેન્ક, સન ફાર્મા, રિલાયન્સ અમને પાવર ગ્રીડનો સમાવેશ થાય છે. જ્યારે એનટીપીસી, ટાટા સ્ટીલ, હીરો મોટોકોર્પ. ઇન્ડસઇન્ડ બેન્ક તેમજ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેર ઘટાડો થવામાં મુખ્ય રહ્યા હતા,

અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડ ડિલ પર હસ્તાક્ષર થયાં પછી અમેરિકાના શેર ઇન્ડેક્સ ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ અને એસએન્ડપી 500એ વિક્રમ બનાવ્યો. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ 0.3 ટકાના વધારા સાથે 29,030.22 અને એસએન્ડપી 500 પણ 0.2 ટકાની સરસાઇ સાથે 3,289.30 પર બંધ થયો હતો. જ્યારે નાસ્ડેક કોમ્પોસિટ 0.1 ટકો ઉપર ચઢીને 9,258.70 પર બંધ થયો હતો.